સ્વિસ ખાતાધારકો પર સકંજો: 50થી વધુ ભારતીયને નોટિસ

સ્વિસ ખાતાધારકો પર સકંજો: 50થી વધુ ભારતીયને નોટિસ
ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે માહિતીની આપ-લેની  પ્રક્રિયા વેગીલી બની
નવી દિલ્હી, તા. 16 : સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં કાળું નાણું રાખનારા ભારતીયો વિરુદ્ધ બંને દેશની સરકારે સકંજો કસવાનું શરૂ કર્યું છે. સ્વિસ અધિકારીઓ આ સંદર્ભમાં કમ સે કમ 50 ભારતીઓની બેન્ક ખાતા સંબંધી માહિતીઓ ભારતીય અધિકારીઓને સોંપવાની પ્રક્રિયા કરી રહ્યા છે. આ ખાતાધારકોમાં મોટા ભાગના જમીન મિલકતો અને નાણાકીય વેપાર સાથે સંકળાયેલા લોકો છે. એ ઉપરાંત ઉદ્યોગ અને ટેકનોલોજી, દૂરસંચાર, કાપડ,  ઈન્જિનીયરિંગ, ઘરેણાં ક્ષેત્રના વેપારીઓ સામેલ છે.
સ્વિત્ઝર્લેન્ડની સરકારે કરચોરો માટે સ્વર્ગ હોવાની પોતાના દેશની છાપ સુધારવા પ્રયાસશીલ છે અને ભારત સહિત વિવિધ દેશો સાથે અઘોષિત ખાતા ધરાવતા લોકોની વિગતોની આપ-લેની પ્રક્રિયામાં લાગ્યા છે. એ અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી ભારતીયોના મામલાઓમાં પણ માહિતીની આપલેની પ્રક્રિયા ઝડપી બની છે. ખાતાધારકોની વિગતો આપી શકાય એ માટે ભારત સરકાર સાથે કરાર કર્યો છે. 21મેના 11 ભારતીયોને નોટિસ અપાઈ હતી. એક મીડિયા હેવાલમાં ગેઝેટને ટાંકીને જણાવાયું હતું કે તેમાં બે જણના પૂરા નામનો ઉલ્લેખ છે એક છે કૃષ્ણ ભગવાન રામચંદ અને બીજા છે કલ્પેશ હર્ષદ કિનારીવાલા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer