ભાવનગરમાંથી પરપ્રાંતીય પરિવારની ત્રણ પુત્રીઓ લાપતા

ભાવનગરમાંથી પરપ્રાંતીય પરિવારની ત્રણ પુત્રીઓ લાપતા
ચાર દિવસથી શોધખોળ શરૂ 
ભાવનગર, તા.16 : મુળ યુપી પંથકના અને હાલમાં ભાવનગરમાં રહેતા અને કલરકામ કરતા પરપ્રાંતીય પરિવારની ત્રણ પુત્રીઓ ચાર દિવસથી લાપતા બની ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે માત્ર અરજી સંભાળી રાબેતા મુજબ શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુળ ઉત્તરપ્રદેશના ગોરખપુરના વતની અને હાલમાં ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા  અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાજકુમાર બ્રિજમલ્લા સહાની નામના પરપ્રાંતીય યુવાનની ત્રણ પુત્રીઓ રાનુ (ઉ.ર1), નીલુ (ઉ.17.પ) અને અનુ (ઉ.14) ગત તા.11 ના વહેલીસવારે ઘેરથી કોઈને કહ્યા વગર નીકળ્યા બાદ લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરતુ કોઈ ભાળ નહી મળતા ત્રણેય પુત્રીઓ ગુમ થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા માત્ર અરજી સ્વીકારી શોધખોળ કરવામાં આવી હતી.
------------
મેઘરજનાં પંચાલમાં મકાનમાં આગ: બે વૃદ્ધા જીવતાં ભૂંજાયા
  આગમાં ઘરવખરી સહિત મકાન ખાક
મોડાસા, તા.16 : સુરત ટયુશન ક્લાસીસમાં લાગેલી આગની ઘટનાએ રાજ્ય સહિત દેશભરમાં ચકચાર જગાવી છે. ત્યારે આવી જ કંઇક ઘટના અરવલ્લીના મેઘરજ તાલુકાના પંચાલ ગામે બની હતી. જેમાં જીવતા સળગી જવાથી બે વૃદ્ધાના મૃત્યુ નિપજ્યાં હતાં. આગમાં તમામ ઘરવખરી પણ ખાક થઇ ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજે એક કાચા મકાનમાં કોઇ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેણે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મકાનને લપેટમાં લઇ લીધું હતું. આ દરમિયાન મકાનમાં રહેલી બે સગ્ગી બહેન, ખાત્રીબેન થાનાભાઇ કલાસવા (ઉ.75) અને ગુલાબબેન થાનાભાઇ કલાસવા (ઉ.70) પણ આગની લપેટમાં આવી જતાં જીવતા સળગી જતા બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં.
આગની ઘટનાની જાણ થતાં ગ્રામજનો ત્યાં દોડી આવ્યાં હતાં અને મકાનમાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા પાણીનો મારો શરૂ કર્યો હતો. જોકે તેમ છતાં આગ કાબૂમાં આવી ન હતી. આ અંગે મોડાસા ફાયરબ્રિગેડને જાણ થતાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી. જોકે આગમાં ઘરવખરી સાથે મકાન ખાક થઇ ગયું હતું.બનાવના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. બનાવથી આદિવાસી સમાજ અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer