વઢવાણમાં રમતા-રમતા કૂંડીમાં પડી જતા ભાઈ-બહેનના મૃત્યુ

વઢવાણમાં રમતા-રમતા કૂંડીમાં પડી જતા ભાઈ-બહેનના મૃત્યુ
માતા-પિતાના મૃત્યુ બાદ પાંચ વર્ષનો નીતિન અને સાત વર્ષની જાગૃતિ દાદા-દાદી સાથે રહેતા’તા
વઢવાણ,તા.16 : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં માતા-પિતા વિહોણા અને દાદા-દાદી સાથે રહેતા ભાઈ-બહેનના મૃત્યુનો કમકમાટી ભર્યો બનાવ બન્યો છે. વઢવાણના રણજીતનગરમાં ઘર પાસે રમતો પાંચ વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી ગયો હતો. આ બાળકને બચાવવા તેની સાત વર્ષની બહેને પણ કુંડીમાં ઝંપલાવ્યું હતુ. બન્ને ભાઈ બહેનના મૃત્યુથી પરિવાર સાથે વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.
વઢવાણમાં 80 ફુટ રોડ પર આવેલા રણજીત નગરમાં રહેતા ભુપતભાઇ ગોહિલનો પુત્ર વિજયભાઇ અને પુત્ર વધુ મૃત્યુ પામ્યા હોવાથી તેમનો પાંચ વર્ષનો પૌત્ર નિતિન અને સાત વર્ષની પૌત્રી જાગૃતિ દાદા-દાદી સાથે જ રહેતા હતા. આજે આ વિસ્તારમાં ભુપતભાઇના ઘર નજીક એક મકાનનું કામ ચાલી રહ્યું હતુ. બન્ને ભાઇ-બહેન નિતિન અને જાગૃતિ આ મકાનમાં રમતા હતા ત્યારે નીતિન રમતા-રમતા ત્યાં બનાવવામાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો. આ જોતા જ બહેન જાગૃતિએ ભાઇને બચાવવા પાણીની કુંડીમાં ઝંપલાવ્યું હતુ. જેમાં બંન્ને ભાઇ-બહેનના કરૂણ મૃત્યું નિપજ્યાં હતા.
મૃતક ભાઇ-બહેનના દાદા-દાદી મજૂરી કરીને પેટીયું રળતા હતા. થોડા સમય પહેલા પુત્ર અને પુત્રવધુને ખોયા બાદ આજે પૌત્ર અને પૌત્રીના મૃત્યુથી તેમના દુ:ખનું પર આભ તુટી પડયું હતુ. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ ભાઇ-બહેનને બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer