સુરતની આગ બાદ કૂવો ખોદવા નીકળ્યું તંત્ર

સુરતની આગ બાદ કૂવો ખોદવા નીકળ્યું તંત્ર
શૈક્ષણિક સંકુલો સાથે હોટેલો, સિનેમાગૃહો તથા હોસ્પિટલોમાં સેફ્ટી ડ્રાઈવ શરૂ કરાઈ
 
- સૌરાષ્ટ્રના અનેક ક્લાસીસમાં બાળકોના જીવનું જોખમ હોવાનું બહાર આવ્યું
રાજકોટ, તા.25 : સુરતના તક્ષશીલા આર્કેડમાં ગઈકાલે લાગેલી ગોજારી આગની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજ્યભરમાં ટયુશન ક્લાસમાં ફાયર સંબધી સહિતની બાબતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી ઘટનાઓ નિવારવા રાજ્ય સરકારના આદેશ બાદ સૌરાષ્ટ્રભરની ઉંઘતી મહાનગરપાલિકાઓ દ્વારા કમર કસવામાં આવી છે. આગની ઘટના બાદ આજે દોડતા થયેલા તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા માથકોએ ટયુશન ક્લાસીસો સાથે હોટેલો, સિનેમાગૃહ, હોસ્પિટલોમાં સેફ્ટી ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં અનેક ક્લાસીસોમાં બાળકોના જીવનું જોખમ હોવાનું સામે આવ્યું હતુ.
જૂનાગઢ મહાનગરપાલિકાની 12 ટીમ દ્વારા આજે 117 ટયુશન ક્લાસ, 14 હોસ્પિટલ, 13 રેસ્ટોરન્ટ અને અન્ય 16 મળીને 162 સ્થળોએ ચલાવવામાં આવેલી તપાસમાં 13 સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી અને 148ને નોટિસ ફટકારવામાં આવી હતી.
જામનગર મનપાની 6 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રારંભીક તબક્કે જ તમામ ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. મોરબીમાં સફાળું જાગેલા તંત્રની તપાસમાં કુલ 40 જેટલા ટયુશન ક્લાસ અને શાળાઓને ક્લોઝર નોટિસ આપીને ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો નાખ્યાનો રિપોર્ટ આપવામાં જણાવાયું હતુ. આ ઉપરાંત મોરબી સિરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઇએ જિલ્લાના કારખાના અને ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. મોરબીમાં સોમવારે સરકારી અને ખાનગી સહિતની 225 શાળાઓમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 18 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડાસામાં ત્રીજા-ચોથા માળે ચાલતા 25થી વધુ ટયુશન ક્લાસીસના સંચાલકોને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.
પોરબંદરમાં કલેક્ટર દ્વારા આદેશ અપાયા બાદ પોરબંદર ન.પા.માં 4 ટીમ, છાયા ન.પા.માં 2 ટીમ અને રાણાવાવ-કુતિયાણામાં 1-1 ટીમ તપાસ માટે બનાવવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ-સોમનાથમાં 21 જેટલા ખાનગી ટયુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ વગર ધમધમતા હોવાથી આ તમામ ક્લાસીસોને નોટિસ ફટકારીને ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત ખંભાળિયામાં સાત, ભાણવડમાં ત્રણ, તથા દ્વારકામાં નવ સ્થળોએ તપાસમાં એકેયને નોટીસ આપવામાં આવી નથી.
ભાવનગરમાં ધ ટાઈમ્સ ઈન્સ્ટીટયુટ, એમ,પી ત્રીવેદી ક્લાસીસ, પટેલ ઈન્સ્ટીટયુટ, શીવમ ઈન્સ્ટીટયુટ, રેડ લેબલ એકેડમી, અભ્યમ એકેડમી સહિત 15થી વધુ ટયુશન ક્લાસીસને નોટિસ પાઠવીને 30 દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો વિકસાવી લેવા તાકીદ કરાઈ હતી.
જેતપુર નગરપાલિકાની બે ટીમ દ્વારા 44 શૈક્ષણીક સંકુલોમાં સર્વે હાથ ધરાયો હતો. ફાયર સેફ્ટીના સાધનો તથા આગ સમયે ક્યા-ક્યા સાધનોનો ઉપયોગ કરવો તે પ્રકારની માહિતી ન હોવાથી મોટાભાગની સ્કૂલોને નોટિસ આપીને ત્રણ દિવસમાં ઘટતી સુવિધાઓ પુરી કરવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત સર્વે દરમિયાન બંધ જોવા મળેલા શૈક્ષણીક સંકુલોની દિવાલો ઉપર નોટિસ ચીપકાવવામાં આવી હતી.
લીંબડી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ચલાવાતા કાન્તા, સિદ્ધિવિનાયક, શિવ, વિશાલ ડિજીટલ સહિતની હોસ્પિટલો તથા ફિમેલ હેલ્થ વર્કર, નર્સિંગ સ્કૂલમાં સાધનો ન હોવાનું સામે આવતા સૂચનો આપવામાં આવ્યા હતા.
ધોરાજીમાં અધિકારીઓની આળસ હજુ ખંખેરાઈ નથી
ધોરાજી નગરપાલિકા કે જવાબદારો અન્ય સરકારી વિભાગ કે તેમના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી અને સરકારી તંત્ર અને અધિકારીઓની આળસ હજુ ખંખેરાઈ નથી. ધોરાજી શહેરમાં પ્રાંત અધિકારીની કચેરી હોય ત્યારે શિક્ષણ વિભાગ પાલિકા તંત્ર કે મામલતદાર કચેરી દ્વારા શહેરના ટયુશન ક્લાસીસ, ખાનગી શાળાઓ, બહુમાળી ઇમારતો, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિગમાં હજુ સુધી તપાસમાં વિલંબ શા માટે થઇ રહ્યો છે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
અમરેલીમાં તપાસમાં લોલંલોલ !
અમરેલી શહેરમાં નગરપાલિકાના વેરા તેમજ વ્યવસાયવેરા દફ્તરે નોંધાયેલી 47 જેટલી ટયુશન ક્લાસ, હોટેલો, દવાખાના સહિતમાં ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું કહેવાયું હતુ. પરંતુ તપાસમાં કઈ કઈ ક્ષતીઓ બહાર આવી અને શુ પગલા લેવામાં આવ્યા તે અંગે માત્ર એક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. તેમાં શહેરના હાતિમ કોમ્પ્યુટર, ઓમ ક્લાસીસ, એક્સપર્ટ ક્લાસીસ, નીટ કોમ્પ્યુટર, ઓજસ ક્લાસીસ, ભાનુ ઈન્ફોટેક સહિતમાં તપાસ હાથ ધરાઈ હતી. આ સિવાયની અન્ય ચાર ટીમ દ્વારા જવાબ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. તેથી લોલંલોલ કરનાર તંત્રની ટીમ સામે પ્રાંત અધિકારી દ્વારા પગલા લેવામાં આવશે કે નહી?
વડોદરાના 11 ટયુશન કલાસને સીલ મરાયા
વડોદરા: વડોદરામાં આવેલા આશરે 1200 જેટલા નાના મોટા ટયુસન કલાસોમાં ફાયર સેફટીની તપાસ કરવી તંત્ર માટે સમય માંગી લે તેવો વિષય છે. જોકે આજથી તંત્ર ફાયર સેફટી અંગે અલગ અલગ પાંચ ટીમો બનાવી શહેરના ઝોનમાં આવેલા ટયુશન કલાસો પર ચેકિંગ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજે બપોર સુધીમાં અંદાજે 11 જેટલા ટયુશન કલાસોને સીલ મારવામાં આવ્યા હતાં. જોકે, ફાયર સેફટી મામલે પાલિકાની ગાજ આવવાથી હોવાથી તેની તકેદારીના ભાગરૂપે ટયુશન કલાસ સંચાલકોએ સવારથી સ્વયંભૂ પોતાના કલાસો બંધ રાખ્યા હતાં. જેથી આવા કેટલાક કલાસોમાં તંત્ર દ્વારા તપાસ થઇ શકી ન હતી.
--------------
તમામ ટયૂશન કલાસમાં ચેકિંગના આદેશ
રાજકોટ, તા.25 : સુરતના તક્ષશીલા આગની ઘટના બાદ સૌરાષ્ટ્રભરના જિલ્લા કલેક્ટરો હરકતમાં આવ્યા છે. આવી ઘટના ન બને તે માટે આગમચેતીના પગલાંરૂપે સૌરાષ્ટ્રભરના જિલ્લા કલેકટરોએ આજે ટોચના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ખાનગી હોસ્પિટલો, ટયુશન ક્લાસ અને હોટેલોમાં ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે અંગે ચાકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા મથકોએ આવેલી હોટેલો, ખાનગી હોસ્પિટલો અને ટયુશન કલાસીસમાં ચાકિંગ માટેની જવાબદારી જે તે તાલુકાના પ્રાંત અધિકારીઓને સોંપવામાં આવી છે. આ તપાસ માટે પ્રાંત અધિકારીઓની રાહબરી હેઠળ મામલતદારોની ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્વારા દરરોજ કેટલા સંકુલો ચેક કરવામાં આવ્યા અને તેમાં શું સ્થિતિ જોવા મળી છે તેનો રિપોર્ટ મામલતદારોએ પ્રાંત અધિકારીઓને કરવાનો રહેશે અને પ્રાંત અધિકારીઓએ જે તે જિલ્લા કલેકટરોને રિપોર્ટ કરવાનો રહેશે.
---------------
રાજકોટમાં 4 સ્કૂલ સહિત 65 ટયૂશન ક્લાસીસ સીલ
રાજકોટ, તા.25 : સુરતના તક્ષશિલા બિલ્ડિંગમાં ચાલતા ટયુશન ક્લાસમાં આગ લાગવાની ઘટનામાં 21 વિદ્યાર્થીઓનાં મૃત્યુની ઘટના બાદ સરકારના આદેશને પગલે રાજ્યભરના ચાલતા ટયુશન ક્લાસીસમાં મનપાની ફાયરબ્રિગેડની ટીમો દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આજ 65થી વધુ ટયુશન ક્લાસીસને સીલ મારવામાં આવ્યું હતું.  મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી જ શહેરના તમામ ટયુશન ક્લાસમાં ફાયરસેફ્ટીનાં સાધનો છે કે કેમ તેની તપાસ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં 90થી વધુ ટયુશન ક્લાસને સીલ મારવામાં આવ્યા છે જેમાં 4 સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. કમિશનરે ઉમેર્યું હતું કે, હજુ આ ચેકિંગ ઝુંબેશ યથાવત્ રહેશે અને જે ક્લાસીસમાં ફાયર સેફ્ટીનાં સાધનો નહીં હોય તેને સીલ કરાશે. આગામી દિવસોમાં કોમર્શિયલ તેમજ હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ ચકાસણી હાથ ધરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer