ધો.12 સા.પ્ર.નું 73.27% પરિણામ

ધો.12 સા.પ્ર.નું 73.27% પરિણામ
ગત વર્ષ કરતાં 4 ટકા ઉચું પરિણામ આવ્યું : વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 11 ટકા વધુ
 
અમદાવાદ, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે 73.27 ટકા પરિણામ જાહેર કર્યુ હતું. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 4.31 ટકા જેટલું પરિણામ ઉંચુ આવ્યું છે.  ચાલુ વર્ષે સૌથી વધુ પાટણ જિલ્લાનું 85.03 ટકા  અને સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 45.02 ટકા પરિણામ આવ્યું છે.
કેન્દ્ર પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43 ટકા આવ્યું છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું 67.94 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું 79.27 ટકા પરિણામ આવ્યું છે. જે વિદ્યાર્થીઓ કરતા 11 ટકા વિદ્યાર્થિનીઓનું વધુ છે.
આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછું  પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 206 હતી જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 76 હતી જે મુજબ આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓનું પ્રમાણ વધ્યું છે અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓનું પ્રમાણ ઘટયું છે.
દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા આ વર્ષે 2898 નોંધાઇ હતી જેમાંથી 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા 767 છે જ્યારે ગત વર્ષે આ સંખ્યા 463 હતી. આ ઉપરાંત ગેરરીતિના કેસની સંખ્યા 2730 નોંધાઇ હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ જાહેર થવાની રાહ જોતા હતા. દરમિયાન આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું શિક્ષણ બોર્ડ દ્વારા કુલ 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પરિણામ 55.52 ટકા આવ્યું હતું. વ્યવસાયિક પ્રવાહનું 52.29 ટકા અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55 ટકા રહ્યુ ંહતું્.
મહત્વનું છે કે, 472 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા હતા જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતા સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા હતા. ચાલુ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 3,56,869 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી 3,55,562 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2,60,503 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે.
રાજ્યમાં મોખરે રહેલા અન્ય જિલ્લાઓનું પરિણામ જોઇએ તો, મોરબીમાં 82.64 ટકા, ભાવનગરમાં 81.04 ટકા, સુરેન્દ્રનગરમાં 81.08 ટકા, રાજકોટમાં 79.59 ટકા, અમરેલીમાં 72.62 ટકા , પોરબંદરમાં 78.99 ટકા, જૂનાગઢમાં 75.95 ટકા, જામનગરમાં 79.73 ટકા પરિણામ આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,59,375 નિયમિત, 95075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ (ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઇ હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer