પ્રજા દ્વારા પ્રજા માટે મવડી ઓવર બ્રિજ શરૂ

પ્રજા દ્વારા પ્રજા માટે મવડી ઓવર બ્રિજ શરૂ
પ્રજાના પૈસા ખર્ચ્યા વિના
લોકો કહે છે, દરેક લોકાર્પણ જનતા જનાર્દનના હાથે જ થવા જોઈએ: ટ્રાફિકની સમસ્યા હલ થવાનો રાજીપો, પણ અનેક ધંધાર્થીનો વેપાર ભાંગ્યો
રાજકોટ, તા. 1પ: રાજકોટમાં અઢી-ત્રણ વર્ષથી બની રહેલો મવડી ઓવરબ્રિજ અંતે કોઈપણ જાતના તાયફા, ભાષણબાજી, પબ્લિસિટી સ્ટંટ, સમારંભ અને શમિયાણા વગર તેમજ પ્રજાનો એક પણ પૈસો રાજકીય નેતાઓની વાહવાહી મેળવવાની ઘેલછા પાછળ ખર્ચાયા વગર, તદ્દન ‘િન:શુલ્ક’ રીતે લોકાર્પણ પામ્યો હતો. આ ઘટનાથી શહેરીજનો એવા ખુશખુશાલ થઈ ગયા છે કે ભવિષ્યમાં જાહેર જનતાના લાભાર્થે થનારા બધા જ વિકાસકામોનું આ રીતે જનતા જનાર્દનના હાથે જ લોકાર્પણ કરવામાં આવે તો સારું, એવું મંતવ્ય આપવા લાગ્યા છે.
કરોડોના ખર્ચ અને ઝડપી યુગમાં ધીરજ ખુદ ધીરજ ગુમાવી બેસે એટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ મવડી બ્રિજ વાહનો માટે તૈયાર થઈ ગયો. આ બ્રિજનાં લોકાર્પણનો જશ ખાટવા ઘણા સમયથી નેતાઓ ટાંપીને બેઠા હતા પરંતુ તેમના કમનસીબે બ્રિજ તૈયાર થઈ ગયો ત્યાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી. બીજીબાજુ બ્રિજ તૈયાર થઈ જવા અંગે અગાઉથી જ તારીખ પે તારીખ પડી હોવાથી તંત્રવાહકો આ બ્રિજનાં લોકાર્પણ માટે ઢીલ કરીને પ્રજાનો રોષ વહોરી લેવા માગતા ન હતા.
એવામાં રવિવારે રાત્રે 1ર વાગ્યાથી જ વાહનચાલકો સ્વયંભૂ આ બ્રિજ પરથી વાહન હંકારવા લાગ્યા હતા. સોમવારે સવારે અહીંયા પોલીસ બંદોબસ્ત મુકાયો હતો અને જોતજોતામાં સવારથી જ કામકાજ માટે નીકળી પડેલા લોકોએ મવડી બ્રિજનું જાતે જ લોકાર્પણ કરી નાંખ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી નિયમિત આ રૂટ પરથી આવ-જા કરતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. ટ્રાફિક જામની સમસ્યા, પ્રદૂષણથી છૂટકારો અને સમયની બચત થવાની વાતથી લોકો ખુશ જણાતા હતા.
જો કે બ્રિજની નીચે આવેલી દુકાનદારોને વેપાર ઘટી જવાનો કચવાટ સતાવી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer