દ્વારકામાં શક પડતા 25 મોબાઇલ ફોન સાથે દુકાનદાર બે ભાઇ પકડાયા

ખંભાળિયા, તા. 15: દ્વારકા પંથકમાંથી બિલ વગરના ચાઇનાના 25 મોબાઇલ ફોન સાથે બે શખસને પોલીસે ઝડપી લીધા હતા. આ બે શખસ સિમકાર્ડનું વેચાણ કરીને તેની નોંધ રાખતા ન હોવાનું ખુલ્યું હતું.
દ્વારકાનાં રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ એસ.કે. મોબાઇલ નામની દુકાન પર એસઓજીના પોલીસમેન અશોક સવાણી અને સુરેશ વાનરિયાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં બિલ વગરના રૂ. 6100ની કિંમતના ચાઇનાના 19 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. દુકાનદાર શકીલ ઉર્ફે શાહરૂખ શાનમહંમદની ધરપકડ કરી હતી. આ શખસ સિમકાર્ડનું વેચાણ કરીને નોંધ રાખતો ન હોવાનું ખુલ્યું હતું. તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. આ જ રીતે દ્વારકાના ભદ્રકાળી  રોડ પર ન્યુ એસ. કે. મોબાઇલ ફોન નામની દુકાનમાંથી રૂ. 1600ની કિંમતના ચાઇનાના છ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. દુકાનદાર અરમાન શાનમહંમદ પણ સિમકાર્ડનું વેચાણ કરીને નોંધ રાખતો ન હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. શકીલ ઉર્ફે શાહરૂખ અને અરમાન બન્ને ભાઇ હોવાનું જણાવાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer