જીવાપરના જમીન કૌભાંડમાં વધુ બે નાયબ મામલતદારની ધરપકડ: રિમાન્ડ પર લેવાયા

રાજકોટ, તા. 15: જીવાપર અને બામણબોરના રૂ. 200 કરોડનાં જમીન કૌભાંડમાં વધુ બે નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. આ બન્નેને તા. 18મી સુધી રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે.
આ જમીન કૌભાંડ અંગે સુરેન્દ્રનગરમાં રહેતાં નાયબ મામલતદાર દીપક મહંમદઅલી પંજવાણી અને ચોટીલામાં રહેતાં વાસ્કુર ટપુભાઇ ખાચરની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સસ્પેન્ડેડ ડેપ્યુટી કલેક્ટર ચંદ્રકાંત પંડયા, મામલતદાર જે.એલ. ધાડવી, નિવૃત્ત મામલતદાર એમ.સી.રાઠોડ, રાજેશ ખાચરની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં મૂળી મામલતદાર કચેરીમાં નોકરી કરતાં દીપક પંજવાણી અને વાસ્કુર ખાચરની સંડોવણી હોવાનું પણ ખુલ્યું હતું. આ હકિકતના આધારે એસીબીની ટીમે એ બન્નેની ધરપકડ કરી હતી. આ બન્નેએ કલેક્ટર વતી સહી પોતાની સહીઓ કરીને જમીન કૌભાંડમાં મદદ કરી હોવાનું ખુલ્યું હતું. રિમાન્ડ દરમિયાન અન્ય કોણ કોણ સંડોવાયેલ ? જમીન કૌભાંડમાં તેના ભાગે કેટલી રકમ આવી હતી ? કેટલી અપ્રમાણસરની મિલકત ધરાવે છે ? તેના સહિતની વિગતો મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer