ધ્રાંગધ્રા-માલવણ હાઇ વે પર વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ

ધ્રાંગધ્રા-માલવણ હાઇ વે પર વિદેશી  દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ
અકસ્માત બાદ રાહદારીઓએ દારૂ ઘરભેગો કર્યાની ચર્ચા
ધ્રાંગધ્રા, તા.15: ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ આડા છે ત્યારે પોલીસની નાકાબંધી અને સતત સતર્કતાની ઠેકડી ઉડાડતી ઘટના ધ્રાંગધ્રા-માલવણ હાઇ વે પર બની છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઇ વે પાસે આવેલાં રાજગઢ ગામ પાસે અમદાવાદ તરફથી પૂરઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા હાઇ વેની સાઇડમાં પલ્ટી થઇ ગઇ હતી. સ્વિફ્ટ કાર પલ્ટી થઇ જતા અંદર બેઠેલા ચાલકને ઇજા થઇ હતી પરંતુ ઇજાગ્રસ્ત હોવા છતા ચાલક કાર મૂકીને નાશી છુટયો હતો.
 હાઇ વે પરથી નીકળતા રાહદારીઓએ આ બનાવ જોતા તેઓને કારમાં કઇક શંકાસ્પદ હોવાનુ માલુમ પડયું હતું. કારમાં તપાસ કરી હતી, જેમાંથી નાની વિદેશીદારૂની બોટલો મળી હતી. અમુક લોકોને રેઢી અકસ્માત થયેલી કારમાં વિદેશીદારૂની બોટલો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી ગયું હતું અને કેટલાક લોકોએ અંદરથી દારૂની બોટલોની થેલી ભરીને ઘરભેગી પણ કરી હતી. વિદેશીદારૂ ભરેલી સ્વિફ્ટ કાર પલટી થવાની વિગત કલાકો બાદ પોલીસને મળતા તુરંત તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા કેટલીય દારૂની બોટલો પગ કરી ગઈ હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સ્વિફ્ટકાર કિંમત રૂપિયા 1 લાખ તથા દારૂની બોટલો ચપલા નંગ 1248 કિંમત રૂપિયા 12,480 સહિત કુલ રૂ. 2,24, 800ના મુદ્દામાલનો કબ્જો લઇ પોલીસે મોટાભાગની બોટલો અકસ્માત સમયે ફૂટી ગઇ હોવાનું દર્શાવ્યું હતું. પ્રાથમિક દૃષ્ટિએ આ કારમાં ભરેલો દારૂ ચૂંટણીમાં વપરાશ થવા જઇ રહ્યો હોવાનું ખુલ્યું હતું.
જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા હાલતો સ્વિફ્ટ કારના માલિકની શોધખોળ આદરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer