227 કરોડના બોગસ ઇ-વે બિલ કૌભાંડમાં માસ્ટર માઇન્ડની ધરપકડ : 11 રાજ્યોમાં બોગસ પેઢી બનાવી’તી

આરોપી દિલીપ સેજપાલ જેલ હવાલે
રાજકોટ, તા.15 : જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી. બાદમાં             તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.
મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer