તાલાલા પંથકને ધ્રૂજાવતા ભૂકંપના ચાર આંચકા: ધારીમાં પણ ધણધણાટ

તાલાલા (ગીર), તા.15: તાલાલા પંથકમાં ફરી શરૂ થયેલાં ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેતા લોકો ફફડી ગયાં છે. બે દિવસના વિરામ બાદ ગત રાત્રીથી શરૂ થયેલાં ધરતીકંપના આંચકાએ સોમવાર બપોર સુધીમાં ચાર વખત ધરતી  ધ્રૂજાવી હતી.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે સોમવારે વહેલી સવારે 1-પપ કલાકે 1.8ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 18 કિ.મી દૂર ઇસ્ટ-નોર્થ-ઇસ્ટમાં નોંધાયું હતું . ત્યારબાદ સવારે 4-23 કલાકે 1.3ની તિવ્રતા સાથે આંચકો આવ્યો હતો જેનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 13 કિ.મી.દૂર ઇસ્ટ-સાઉથ  નોંધાયું હતું.
ત્યારબાદ સવારે 5-13 કલાકે ફરી 1.7ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું એ.પી.સેન્ટર તાલાલાથી નવ કિ.મી દૂર ઇસ્ટ-સાઉથ-ઇસ્ટ નોંધાયું હતું. આ ઉપરાંત  સવારે 10-19 કલાકે ફરી 1.7ની તિવ્રતા વાળો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જેનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 13 કિ.મી દૂર ઇસ્ટ-નોર્થ-ઇસ્ટમાં નોંધાયું હતું. સોમવાર વહેલી સવારથી બપોર સુધીમાં ધરતીકંપના ચાર આંચકા આવતા લોકો ભયભીત થઇ ગયા હતાં.
ધારી: શહેર-તાલુકના આસપાસના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતા ધરા ધ્રૂજી ઉઠી હતી. બપોરના 1.38 મિનિટે ઘડાકો થતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા કોઇ જાનહાની થઇ નથી. આંચકાએ ફરીથી 26મી જાન્યુઆરીની યાદ અપાવી હતી. તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ ઘડાકાની તિવ્રતા કેટલી હતી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer