હવામાનનો પક્ષપલટો: ધૂળની ડમરી, દરિયામાં કરંટ, માવઠું

ઠેરઠેર છાંટાછૂટી, 48 કલાક માવઠાની દહેશત: માછીમારોને તાકીદ
અમદાવાદ, તા.15: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં 42 અને 43 ડિગ્રી વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. આણંદ પંથકની આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી   વરસાદી છાંટા પડયા હતા. એવી જ રીતે પાટણ જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં આવેલા પલટાને જોતા અનાજ અને મસાલા વેચાણકારો તથા ખરીદ કરનારાઓમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આકાશમાં છવાયેલા વાદળોના કારણે ઠંડક પ્રસરી હતી. જેના પગલે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, વાલોડ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ પડયો હતો જ્યારે સોનગઢ વિસ્તારમાં સવારે વાદળછાયું વાતવારણ છવાયું હતું. નવસારી તેમજ વલસાડ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવતા મોડી સાંજે ધીમો વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકશાન થવાની ભીતિથી  આંબાવાડીના માલિકોમાં ચિંતાનું મોજું છવાઇ ગયુછે.
            દરમિયાન સમગ્ર દક્ષિણ દરિયામાં અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે દરિયામાં આશરે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે જેના કારણ ઁકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જિલ્લા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
રાજકોટ : આજે દિવસ દરમિયાન ધુપછાંવના વાતાવરણ વચ્ચે ધુળની ડમરીઓથી વાતાવરણ ધુંધળુ બની ગયું હતું. સાંજ પડતાં જ કાળા ડિબાંગ વાદળો ચઢતા જોવા મળ્યા હતા. વાતાવરણના આ પલટાને કારણે મહતમ તાપમાન 37.4 ડિગ્રી સુધી નીચું આવી જતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી. પવનની ઝડપ સરેરાશ 30 કિ.મી. નોંધાઇ હતી. સાંજે 7-40 બાદ રૈયારોડ પર ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ પડયાનું જાણવા મળ્યું છે.
વઢવાણ : ઝાલાવાડનાં આકાશમાં આજે એકાએક પલટો આવતા વાદળો ચઢી આવ્યા છે. ગમે તે ઘડીએ વરસાદ પડે તેવી સ્થિતિ છે. આ વાતાવરણને કારણે ગરમી ઘટીને 38.3 ડિગ્રી પહોંચી હતી.
ભાવનગર : જીલ્લામાં ધુપછાંવના માહોલ વચ્ચે ગરમી યથાવત રહી હતી. દરિયામાં 20 થી 25 કિ.મી. ઝડપે પવન ફુંકાવાની શકયતાથી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે.
ખંભાળીયા : ગત મોડી રાત્રીથી પલટાયેલા હવામાન બાદ આજે દિવસ દરમિયાન ધુળની ડમરીઓ ઉઠી હતી. ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.
પોરબંદર : અહીંના દરિયામાં આગામી પાંચ દિવસ સુધી 40 થી 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતાને ધ્યાને લઇ ફિશીંગ બોટને દરિયામાં ન જવા અથવા સતર્ક રહેવા જણાવાયું છે.
મોરબી : આજે સાંજના સમયે શહેરમાં કમોસમી વરસાદની છાંટાછુટી થઇ હતી. તેજ પવન સાથે છાંટા વરસતા ભરઉનાળે ઠંડક પ્રસરી હતી.
મોડાસા : અરવલ્લી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની દહેશત ફેલાઇ છે. આકાશમાં ગોરંભાયેલા વાદળોએ ખેડૂતો પર ચિંતાના વાદળ ફેલાવ્યા છે.
માળીયા મિયાંણા : મોરબી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે માળીયા ટંકારા પંથકમાન સવારથી જ ધુળની ડમરી અને તેજ પવનોએ લોકોની ત્રાહિમામ પોકરાવી દીધું હતું.
દ્વારકા : ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી 170 જેટલી પેસેન્જર બોટ આજે સલામતીના કારણોસર બંધ કરી દેવાઇ હતી. જે બપોર બાદ પૂન: શરૂ થઇ હતી.
જખૌ-દ્વારકામાં જહાજ અને બોટ ડૂબ્યાં : બે ખલાસી લાપતા
દ્વારકા, અમદાવાદ, તા.15 : જખૌના દરિયામાં ઉછળતા મોજા વચ્ચે એક સોલ્ટ કંપનીનું જહાજ ડૂબ્યાના અહેવાલ છે. જેમાં 6 ખલાસીને બચાવી લેવાયા હતાં જ્યારે એકની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે. જ્યારે દ્વારકાના રૂપેણ બંદર નજીક એક બોટ ડૂબી ગઇ હતી. આ બોટમાં રહેલા ખલાસીઓ પૈકી એક લાપતા હોય 10 માછીમારી બોટ તેને શોધવા દરિયો ખૂંદી રહી છે. બન્ને ઘટનામાં તંત્ર દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી કારણ કે તંત્ર પાસે કોઇ મૌખિક કે લેખિત જાણ  કરવામાં આવી નથી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer