દ્વારકા ધારાસભ્ય પબુભાની અરજી સ્વીકારતી સુપ્રીમ કોર્ટ

દ્વારકા ધારાસભ્ય પબુભાની અરજી સ્વીકારતી સુપ્રીમ કોર્ટ
કેસની વધુ સુનાવણી 22 એપ્રિલે હાથ ધરાશે
અમદાવાદ, તા.15: ગુજરાત હાઇકોર્ટે દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણી રદ કરતા ભાજપના પબુભા માણેકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. પબુભા માણેકની અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટે પબુભાને રાહત આપી છે. હવે આ કેસની વધુ સુનાવણી 22 એપ્રિલે હાથ ધરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે મેરામણ ગેરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરી છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ ગેરિયાને સાંભળશે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ભરેલા ઉમેદવારીપત્રમાં ભૂલ હતી. આ અંગે કોંગ્રેસના  ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે ચુકાદો આપતા વિધાનસભાની 2017ની દ્વારકાની ચૂંટણી રદ કરી દીધી હતી. જેથી પબુભા માણેકે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા બેઠક પરથી વિજયી બનેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની ઉમેદવારીને પડકારતી પિટિશનમાં હાઇકોર્ટે પબુભાની ઉમેદવારી રદ્દ ઠેરવી છે અને દ્વારકાની ચૂંટણી પણ રદ્દ જાહેર કરી છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું છે કે, પબુભાનું ઉમેદવારી ફોર્મ ક્ષતિયુક્ત હતું અને ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કરવું જોઇતું હતું. જેના બદલે ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહિરે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દ્વારા દાદ માગી હતી કે પબુભાની ઉમેદવારી ભૂલભરેલી છે, તેથી લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ પ્રમાણે તેમની ઉમેદવારી અને ચૂંટણી રદ્દ થવા જોઇએ.
પબુભાની નામનાથી અંજાઇને તેમની ફેસ વેલ્યુના આધારે ક્ષતિયુક્ત ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યુ હોવાનું અવલોકન પણ હાઇકોર્ટે નોંધ્યું છે. ઉપરાંત ઉમેદવારી રદ્દ થવા અંગેની માહિતી ચૂંટણી પંચ અને વિધાનસભા સ્પીકરને આપવા માટે હાઇકોર્ટે રજીસ્ટ્રી વિભાગને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા વિધાનસભા બેઠક પર પબુભાની હાલ 7મી ટર્મ ચાલી રહી છે.
અરજદાર મેરામણ આહિરની રજૂઆત હતી કે, ઉમેદવારી ફોર્મના ભાગ-1માં પબુભાએ 11 નંબરના કોલમમાં  વિધાનસભા બેઠકનું નામ  દ્વારકા અને આ મતવિસ્તારનો ક્રમાંક 82નો ઉલ્લેખ કર્યો નથી. એટલે કે, ઉમેદવારે પોતે ક્યા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેનો ઉલ્લેખ જ કર્યો ન હતો. ઉપરાંત વિધાનસભા બેઠકની વિગતો આપવાની જગ્યાએ તેમણે ભલામણકર્તાઓના નામ લખ્યા છે. ચૂંટણી સમયે આ ભૂલો અંગે સંબંધિત ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર પી.એ.જાડેજા સમક્ષ મેરામણ આહિર દ્વારા વાંધા અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી અધિકારીએ આ વાંધા અરજી રદ્દ કરી હતી. તેમ છતાં મનસ્વી અને ગેરકાયદે રીતે પબુભાનું ઉમેદવારી ફોર્મ સ્વીકારાયું હોવાની રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે પબુભા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ઉમેદવારી ફોર્મમાં રહેલી ભૂલો એટલી પણ નોંધપાત્ર નથી કે તેમની ઉમેદવારી અને જીતને રદ કરવામાં આવે. હેન્ડબૂક ફોર રિટર્નિંગ ઓફિસર એટલે કે ચૂંટણી અધિકારીઓની માર્ગદર્શિકા પ્રમાણે આ પ્રકારની તકનિકી અને ક્લેરિકલ ભૂલોની ચૂંટણી અધિકારીએ અવગણના કરવાની હોય છે. ઉપરાંત ઉમેદવારી ફોર્મ સાથે  આપવામાં આવેલા સોગંદનામામાં આ વિગતો આપવામાં જ આપી હતી. આ ભૂલ વધારે મહત્ત્વ ન ધરાવતી હોવાથી તેમને અવગણવી જોઇએ તેવી રજૂઆત પબુભા દ્વારા કરવામાં આવી હતી.
પબુભા અને ચૂંટણી અધિકારીની રજૂઆતો ફગાવતા હાઇકોર્ટે નોંધ્યું કે, પબુભાની ઉમેદવારી રદ્દ થવાને પાત્ર હતી. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 33 અને 36 પ્રમાણે ઉમેદવારી અંગેની કોઇ ભૂલ એવી નથી હોતી કે તે ચૂંટણી અધિકારીના ધ્યાને આવવા છતાં અવગણવામાં આવે કે સુધારવામાં ન આવે. પ્રહલાદદાસ ખંડેલવાલ વિરુદ્ધ નરેન્દ્ર કુમાર સાલ્વેના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ આ બાબતનું સમર્થન કરે છે. આ તમામ બાબતોની માહિતી હોવા છતાં પબુભાની ઉમેદવારી સ્વીકારી ચૂંટણી અધિકારીએ ગેરકાયદે, અનુચિત અને મનસ્વી પગલું ભર્યુ છે.
કોર્ટમાં ચુકાદો જાહેર થયા બાદ પબુભા માણેકના વકીલ દ્વારા સુપ્રીમમાં જવા માટે સમય માટે આ હુકમ પર સ્ટેની માગ કરેલી પરંતુ હાઇકોર્ટે આ માગ ફગાવતા નોંધ્યું હતું કે, પબુભાનું ઉમેદવારીપત્ર સ્વીકરવાનો નિર્ણય જ ગેરકાયદે અને સુપ્રીમ કોર્ટના બંધનકર્તા ચુકાદની વિરુદ્ધનો હોવાથી સ્ટે ન મળી શકે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer