ચાર પેઢી ગરીબી હટાવી ન શકી, રાહુલ શું ગરીબી હટાવશે?: શાહ

ચાર પેઢી ગરીબી હટાવી ન શકી, રાહુલ શું ગરીબી હટાવશે?: શાહ
 કોડિનાર અને ડીસાની સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કેંગ્રેસ પર પ્રહાર
ડીસામાં રોડ-શો, ‘મોદી ફીર સે’ના લાગ્યા નારા
અમદાવાદ, કોડિનાર, તા.15: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સૌરાષ્ટ્રના કોડીનાર અને ડીસામાં જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હવે ચૂંટણી આવતા રાહુલ બાબા પણ ગરીબી હટાવવાની વાતો કરી રહ્યા છે. ગાંધી પરિવાર ચાર પેઢીથી ગરીબી હટાવવાની વાત કરી રહ્યા છે, તોય મેળ પડતો નથી. આ રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે.
મહત્વનું છે કે, ગુજરાતની તમામ લોકસભાની બેઠકો જીતવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠાના ડીસામાં ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો. આ રોડ-શોમાં અમિત શાહની સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરબત પટેલ અને કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખુલ્લા વાહનમાં અમિત શાહ બનાસકાંઠાના રસ્તાઓ પર ફર્યા હતા. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરો અને લોકોએ મોદી ફીરસે ના નારાઓથી વાતાવરણને ગજવી મુક્યું હતું.
રોડ-શો બાદ યોજાયેલી ડીસાની સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, પરબતભાઇ પટેલને જીતાડવા માટે, સાડા ત્રણ મહિનામાં 242 લોકસભાની બેઠકો પર પ્રચાર કરતો-કરતો આજે હું ડીસા આવ્યો છું. હું જે સ્થળ પર પ્રચાર કરવા ગયો તે તમામ સ્થળ પર મોદી-મોદીનો અવાજ સાંભળ્યો છે. દેશની જનતાએ મોદીને સ્વિકારી લીધા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર સરકાર બનાવશે.
અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનમાં માર્યા અને તેલ રાહુલ ગાંધીના પેટમાં રેડાયુ હતું. જો પાકિસ્તાન તરફથી એક ગોળી આવશે તો ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ તોપના ગોળાથી આપશે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી દેશની રાજનિતીમાં છે ત્યાં સુધી વિકાસના કામો કરતા રહેવામાં આવશે. 2024માં જ્યારે તમારા આશીર્વાદ લેવા આવીશું ત્યારે ભારત દેશ વિશ્વાના 5 સૌથી શક્તિશાળી દેશોમાં આવી ગયો હશે. તેમણે એમ પણ જણાવ્યું કે, જે પરિવારની ચાર-ચાર પેઢી ગરીબી હટાવી ન શકી એ પેઢીના રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે?
દરમિયાન કોડીનારમાં બપોરે 1 વાગ્યે અમિત શાહની સભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, સાંસદ ચુનીભાઈ ગોહિલ, ડોલરભાઈ કોટેચા, દિનુભાઈ સોલંકી, ઉમેદવાર રાજેશ ચૂડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોડીનારમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષમાં કિસાનો માટે, મહિલાઓ માટે, ગરીબો માટે અનેક યોજનાઓ આપી છે અને ફરીવાર જો તેઓ સત્તામાં આવશે તો બીજી અનેક યોજનાઓ લાવશે. કોડીનારમાં ભારે તાપના કારણે બાઈક રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer