યોગી, માયા, મેનકા અને આઝમની બોલતી બંધ !

યોગી, માયા, મેનકા અને આઝમની બોલતી બંધ !
ચૂંટણીપંચે કોરડો વીંઝ્યો: યોગી અને આઝમ ઉપર 72 કલાક અને માયા-મેનકા 48 કલાક માટે પ્રચાર કરવાં પ્રતિબંધિત
નવી દિલ્હી, તા. 15: લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન વાંધાજનક ટિપ્પણી મામલે ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચે આજે સુપ્રીમ કોર્ટની ફટકાર પછી કોરડો વીંઝતા બસપા પ્રમુખ માયાવતી, યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા નેતા આઝમ ખાન અને ભાજપ નેતા મેનકા ગાંધીને નિર્ધારિત કલાકો માટે ચૂંટણી પ્રચારમાંથી પ્રતિબંધિત કરી દીધા હતાં.
આ ચારેય નેતાઓ ઉપર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. ચૂંટણી પંચ તરફથી માયાવતી અને યોગી આદિત્યનાથ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ મુજબ માયાવતી 48 કલાક સુધી અને યોગી આદિત્યનાથ 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.  આવી જ રીતે આઝમને 72 કલાક અને મેનકાને પણ 48 કલાક માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.
માયાવતી અને યોગી આદિત્યનાથ ઉપરનો પ્રતિબંધ 16 એપ્રિલને મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પ્રતિબંધના કારણે હવે બન્ને નેતાઓ બીજા તબક્કાના 18 એપ્રિલે થનારા મતદાન માટે પ્રચાર કરી શકશે નહીં. મંગળવારે યોગી નગીના અને ફતેહપુર સીકરીમાં રેલી નહીં કરી શકે. જ્યારે માયાવતી આગરામાં અખિલેશની રેલીમાં સામેલ થઈ શકશે નહીં.
7 એપ્રિલના રોજ માયાવતીએ સહારનપુરમાં સપા-બસપા અને રાલોદ મહાગઠબંધનની સંયુક્ત રેલીમાં ધર્મનાં નામે મત માગ્યા હતા. ચૂંટણી રેલી સંબોધિત કરતા માયાવતીએ મુસ્લિમ મતદારોને અપિલ કરતા કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં એકતરફી મતદાન કરે છે. આ ઉપરાંત 13 એપ્રિલના બુલંદશહેરમાં રેલી દરમિયાન કહ્યું હતું કે, આપણે અલી અને બજરંગબલી બન્નેની જરૂર છે, કારણ કે તેઓ દલિત સમાજથી છે. બીજી તરફ યોગી આદિત્યનાથે પણ અલી અને બજરંગબલી ઉપર ટિપ્પણી કરી હતી તેમજ ભારતીય સેનાને મોદી સેના ગણાવી હતી. જેનાથી વિવાદ શરૂ થયો હતો.
જ્યારે મેનકા ગાંધીએ ઉપરાઉપરી બે સભામાં મતદારોને સુખાકારીનાં કામો કરાવવા મુદ્દે ધમકીની ભાષામાં પોતાની તરફેણમાં મત નાખવા કહ્યું હતું. તો આઝમ ખાને એકથી વધુ વખત અશોભનીય અને અશિષ્ટ ટિપ્પણીઓ કરેલી છે.
આજની કાર્યવાહી પછી માયાવતીએ ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવ્યા હતાં અને પ્રચાર પ્રતિબંધને પોતાની સામેની ક્રૂરતા ગણાવીને અધિકારથી વંચિત કરવામાં આવ્યાનો આક્ષેપ પણ કર્યો હતો.
સાંપ્રદાયિક ભાષણો મુદ્દે પગલાં લેવામાં ઉણા ઉતરેલા પંચને ઉચકાવતી સુપ્રીમ
નવી દિલ્હી, તા. 1પ: લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા થતા ધાર્મિક અને ઘૃણામંડિત ભાષણો સામે પગલાં લેવાને પંચ મહદંશે સત્તાહીન અને ન્હોરવિહોણું હોવાની પંચના ધારાશાત્રીની રજૂઆત વિશે ચોવીસ જ કલાકમાં સ્પષ્ટતા કરવા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આજે તાકીદ કરી હતી. ભાષણોમાં દારૂગોળો ઓકતા ઉમેદવારો સામે પગલાં લેવા કાયદા હેઠળની પંચની સત્તા સામે ઉઠાવાયેલા સવાલોના સ્પષ્ટ જવાબ ન મળ્યે મુખ્ય ચૂંટણી કમિશનરને અર્ધો કલાકમાં કોર્ટમાં હાજર થવાનું રહેશે એવી ચીમકી સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આપી હતી.
હાલની ચૂંટણી દરમિયાન પંચે, ઘૃણાસ્પદ ભાષણો અને ધર્મના આધારે મત માગવા બદલ ઉમેદવારને નોટિસ આપ્યાનું 3 જ કેસમાં બન્યાનું અદાલતના જોવામાં આવ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બસપાના વડા માયાવતીને નોટિસો અપાઈ છે. સીએમને એડવાઈઝરી જારી કરાયાનું પંચના વકીલે જણાવતાં સીજેઆઈએ ટકોર કરી કે માયાવતીનું શું છે ? તા.12મી સુધીમાં જવાબ આપવાનો હતો, તા. 1પમી થઈ ગઈ, તેમણે આપ્યો નથી. આવા કેસમાં કાયદો તમને શું કરવા માટે છૂટ આપતો હોય છે? તમે હવે શું કરશો ? વકીલે કહ્યુ કે અમે તેમને એડવાઈઝરી જારી કરશુ, ફરિયાદ નોંધાવશું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer