ચોકીદારની જરૂર ઉદ્યોગપતિને, ખેડૂતોને નહીં : રાહુલ

ચોકીદારની જરૂર ઉદ્યોગપતિને, ખેડૂતોને નહીં : રાહુલ
મહુવા નજીક 3 ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભા
એક કરોડ રોજગારી નહીં અમે સરકારી
ખાલી જગ્યાઓ ભરીશું: પંચાયતમાં 10 લાખ રોજગારી આપીશું
‘લોન જેવા પ્રશ્રે
ખેડૂતો જેલમાં
નહીં જાય’
રાજકોટ, તા.15: લોકસભાની ચૂંટણીમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની યોજાયેલી સભામાં વગર સમિયાણે બપોરના ધોમ ધખતા તાપમાં ખૂલ્લા ખેતરમાં હજારો ખેડૂતો સહિતના ચૂંટણીમાં કોંગ્રેસ શું કરવા ઇચ્છે છે તે સાંભળવા ઉત્સુકતા દર્શાવી હતી. રાહુલ ગાંધીએ વર્તમાન ભાજપ સરકારે પ્રજા સાથે કરેલા અન્યાય સામે 72 હજારની ન્યાય યોજના લાવવા જાહેરાત કરી બે કરોડને રોજગારીની ભાજપે કરેલી વાતો જેવી વાતો નહીં પરંતુ 22 લાખ સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવા અને પંચાયતમાં 10 લાખ રોજગારી આપવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાનો વાયદો કર્યો હતો.
મહુવાના આત્રાણા નજીક યોજાયેલી આ સભામાં 10 હજારથી વધુ લોકો ઉમટી પડયાં હતાં. વિજય વિશ્વાસ રેલી નામે યોજાયેલાં આ સંમેલનમાં શરૂઆતમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી સરકારની 1 કરોડ યુવાનોને રોજગારીની વાત, દરેક ખાતામાં 15 લાખ જમા કરવાની વાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત બધું જ નર્યુ જુઠાણું સાબિત થયું છે. મોદીની વાત ભલે જુઠાણું સાબિત થઇ પરંતુ તેઓના આ વિચાર પ્રજા માટે સારા હતાં એવો કટાક્ષ પણ કર્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પાંચ માસ પૂર્વે કોંગ્રેસની થિંક રેન્ક સાથે બંધ બારણે ચર્ચા કરી શું ગરીબોના ખાતામાં આ મુજબ રૂપિયા જમા કરાવી શકાય? તે અંગે અભિપ્રાય લીધો હતો. જેમાં દેશના 20 ટકા ગરીબોને ગણીએ તો 25 કરોડ લોકો          અને અંદાજે 5 કરોડ પરિવારને નાણાં આપવાથી દેશની અર્થ વ્યવસ્થાને કોઇ નુકસાન થાય તેમ ન હતું. આથી આ લોકોના ખાતામાં 72 હજાર અને પાંચ વર્ષના 3.60 લાખ જમા કરી શકાય તેમ હોય કોંગ્રેસ સત્તા પર આવશે તો આ વાયદો પાળી બતાવશે તેમ જણાવ્યું.
મોદી સરકારે નોટબંધી લાગુ કરી, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આ ગાળામાં જોવા મળી છે ત્યારે ભાજપના આ અન્યાય સામે 72 હજારની ન્યાય યોજના કોંગ્રેસ લાવશે તેમ જણાવ્યું હતું.
આ ન્યાય યોજના દેશના અર્થતંત્રને ગતિ આપનારી નિવડશે. ઉપરાંત નાનો મોટો ધંધો-વેપાર કરવા ઇચ્છતા લોકોને 3 વર્ષ કોઇપણ જાતની સરકારી મંજૂરી જરૂરી નહીં રહે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા. ગુજરાતમાં પણ કરવામાં આવશે. પોતાની સરકારી આવશે તો અગાઉ મુજબ બે બજેટ રહેશે જેમાં એક કેન્દ્રીય બજેટ અને બીજું ખેડૂતોનું બજેટ. જેમાં ખેડૂતોના લાભ, સહાય, વળતરની જોગવાઇ હશે.
રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે  ચોકીદારનો વિચાર ઉદ્યોગપતિઓ માટે છે. ખેડૂતોને ચોકીદારની જરૂર હોતી નથી. કોંગ્રેસ સત્તા પર આવશે તો એકપણ ખેડૂત લોન પ્રશ્ને જેલમાં નહીં જાય.
40-42 ડિગ્રીની ગરમીમાં ત્રણ બેઠકને સંલગ્ન લોકો કલાકો સુધી રાહુલ ગાંધીને સાંભળવા બેઠાં હતાં. બે વાગ્યાની બદલે 4-30 કલાકે આવેલાં રાહુલ ગાંધીને લોકોએ બપોરના 12-30 વાગ્યે આવી ગયાં હોવા છતાં ધીરજ રાખીને બેસી રાહ જોઇ સાંભળ્યા હતાં.
આ તકે આશિષ ડેર, પરેશ ધાનાણી, વીરજીભાઇ ઠુમ્મર, અમિત ચાવડા, હાર્દિક પટેલ, પુંજાભાઇ વંશ, મનહર પટેલ, કનુભાઇ કળસરિયા, અર્જુન મોઢવાડિયા, પ્રતાપ દૂધાત, ગાયત્રીબા વાઘેલા, રાજીવ સાતવ સહિતના આગેવાનો 40 મિનિટના ભાષણમાં કોંગ્રેસ શું કરવા માંગે છે તેની જ વિસ્તૃત વિગતો આપી હતી.
કોર્ટની ઓથે ‘ચોકીદાર ચોર હૈ’ બોલનાર રાહુલને સુપ્રીમની નોટિસ
રાફેલ મુદ્દે ટિપ્પણીનો 22મી સુધીમાં જવાબ માગ્યો
નવી દિલ્હી તા. 1પ: રાફેલ કેસના ચુકાદા સંબંધે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ (ચોકીદાર ચોર હૈ-વાળી) કરેલી ટિપ્પણી અનુસંધાને સર્વોચ્ચ અદાલતે આજે તેમને નોટીસ જારી કરી હતી અને આગામી સુનાવણીની તારીખ 22મી સુધી જવાબ નોંધાવવા તાકીદ અદાલતે કરી હતી. રાફેલ અંગેના ચુકાદામાં અદાલતે નહોતા કર્યા તેવા નિરીક્ષણો અદાલતના નામે ચઢાવી દીધા સબબ રાહુલ ગાંધી સામે અદાલતી તિરસ્કારના પગલા લેવા માગણી કરતી ભાજપી સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર વિચારણા થશે એમ અદાલતે જણાવ્યુ હતું. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યુ હતું કે ‘અમે એ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે ગાંધી દ્વારા મીડિયા અને લોકો સમક્ષના કથિત ભાષણો, ટિપ્પણીઓમાં વ્યકત કરાતા મંતવ્યો, નિરીક્ષણો, તારણોમાં અયોગ્યપણે કોર્ટનો હવાલો આપી દેવાય છે. અમે એ ય સ્પષ્ટ કરીએ છીએ કે એટર્ની જનરલે વાંધો ઉઠાવ્યો હતો તેવા કેટલાક દસ્તાવેજોની કાનૂની સ્વીકાર્યતા વિશે જ ફેસલો આપવાનો હોઈ આવું (ગાંધીએ કોર્ટના નામે ચઢાવ્યું છે તેવું) નિરીક્ષણ કરવાનું અદાલતનું કોઈ પ્રયોજન ન હતું. આ બાબતે આટલી સ્પષ્ટતા બાદ અમે હવે આ બાબતે ગાંધીનો ખુલાસો માગવો ઉચિત ગણીએ છીએ.’ અરજદાર લેખીએ જણાવ્યું છે કે અદાલતના ચુકાદામાં ગાંધીએ અંગત નિવેદન રીપ્લેસ કરી પૂર્વગ્રહ સર્જવા પ્રયાસ કર્યો છે.
ભાજપે કહ્યું, રાહુલ દેશની માફી માગે
નવી દિલ્હી, તા. 15 : તથ્યે ખોટી રીતે રજૂ કરવા મામલે સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને નોટિસ મળ્યા બાદ ભાજપ પણ કોંગ્રેસ અધ્યક્ષ સામે આક્રમક બન્યો છે અને માફીની માગણી કરી છે. પક્ષ અધ્યક્ષ અમિત શાહ અને નાણામંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી ઉપર નિશાન તાક્યું હતું. કોડીનારમાં એક રેલી સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં એક ટેક્નિકલ ઓબ્જેક્શન ઉપર સુનાવણી થઈ. કોર્ટે ચૂકાદો આપ્યો અને રાહુલ બાબા કહેવા લાગ્યા કે રાફેલ મામલે સુપ્રીમે ભાજપને ઝટકો આપ્યો. હકીકતમાં આવું કંઈ થયું નથી અને આજે સુપ્રીમે રાહુલને નોટિસ આપી છે કે તેઓ કોર્ટમાં સ્પષ્ટ કરે કે શું નિવેદન આપ્યું છે. બીજી તરફ નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કર્યું હતું કે, રાજનીતિક પ્રોપેગેન્ડા માટે કોર્ટના આદેશનો ઉપયોગ રાહુલ માટે નવું નિચલું સ્તર છે. રાહુલની રાજનીતિમાં બોલવાની આઝાદીમાં જૂઠનો અધિકાર પણ સામેલ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. સુપ્રીમ કોર્ટમાં રાહુલે 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો છે પણ દેશની જનતા માફીની માગણી કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer