ઉર્મિલાના પ્રચારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડયા

ઉર્મિલાના પ્રચારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડયા
પોલીસ ફરિયાદમાં ઉર્મિલાએ કહ્યું, મારા જીવને જોખમ
મુંબઈ, તા. 15: મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી મારામારીનાં કારણે અભિનેત્રી અને મુંબઈ નોર્થ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસની ઉમેદવાર ઉર્મિલા માતોંડકરમાં ભય પેદા કર્યો છે. ઉર્મિલાના કહેવા પ્રમાણે ડર પેદા કરવા માટે મારામારી કરવામાં આવી હતી. આ એક શરૂઆત છે અને આગળ જઈને હિંસક માહોલ પણ બની શકે છે. આ સાથે ઉર્મિલાએ પોતાના જીવને જોખમ હોવાનું કહીને પોલીસ ફરિયાદ કરી હતી અને સુરક્ષાની માગણી કરી હતી.
ઉર્મિલા માતોંડકર સોમવારે સમર્થકો સાથે પ્રચાર માટે નીકળી હતી. તેઓ બોરીવલીમાં પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીના સમર્થકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને મોદી-મોદીના નારા શરૂ કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. પરિસ્થિતિ વકરતી જોઈને સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બન્ને પક્ષના કાર્યકર્તાઓને અલગ કર્યા હતા. જેમાં ભારે મહેનત કરવી પડી હતી. આ ઘટના મામલે ઉર્મિલાએ પોલીસ ફરિયાદ નોંધાવીને જીવને જોખમ હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત પોલીસ પાસે સુરક્ષાની માગણી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer