જેટલા મત, તેટલું કામ: મેનકાની વધુ એક ધમકી

જેટલા મત, તેટલું કામ: મેનકાની વધુ એક ધમકી
લોકોને કહ્યું વધુ મત મળશે તે ગામમાં વિકાસ કાર્ય પહેલા થશે
સુલતાનપુર, તા. 15: ચૂંટણી પંચની નોટિસ મળ્યા બાદ પણ કેન્દ્રીય મંત્રી અને સુલતાનપુરથી ઉમેદવાર મેનકા ગાંધીનાં વિવાદાસ્પદ નિવેદનો અટક્યાં નથી. સુલતાનપુરની એક રેલીમાં મેનકા ગાંધીએ ફરી ચેતવણી ભર્યા લહેજાનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, જ્યાં જેટલા મત મળશે ત્યાં વિકાસ કાર્યોનું તેનાં પ્રમાણમાં વર્ગીકરણ કરવામાં આવશે. મેનકા ગાંધીનાં નિવેદન ઉપર પલટવાર કરતા માયાવતીએ કહ્યું હતું કે, મેનકાની ધમકી ભાજપનો અહંકાર જ નહીં જનતા વિરોધી વલણ પણ છે. જેને ચૂંટણીમાં હરાવવાની જરૂર છે.
સુલતાનપુરમાં રેલી સંબોધિત કરતા મેનકા ગાંધીએ કહ્યું હતું કે, પીલીભીતમાં દરેક વખત જીત મળે છે. આ માટે સુલતાનપુરમાં પણ એક માપદંડ રહેશે. જેમાં એક ગામ માટે વધુ કામ થશે અને એક ગામ માટે ઓછું. દરેક ગામને એ, બી, સી, ડી વિભાગમાં વહેંચવામાં આવશે. જ્યાં 80 ટકા મત મળશે તેને એ કેટેગરી, 60 ટકા મતને બી કેટેગરી, 50 ટકાથી ઓછા મતને સી કેટેગરી અને બાકીનાને ડી કેટેગરીમાં મૂકવામાં આવશે. આમ એ વિભાગનાં ગામમાં વિકાસ કાર્ય પહેલા થશે. ત્યાંનાં કામ પૂરા થતાં બીમાં કામ શરૂ થશે અને ત્યારબાદ સી વિભાગનાં ગામમાં કામ થશે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે તેઓને કઈ કેટેગરીમાં રહેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer