બસપાનું બેન્ક બેલેન્સ સૌથી વધુ : ભાજપ પાંચમા ક્રમે

બસપાનું બેન્ક બેલેન્સ સૌથી વધુ : ભાજપ પાંચમા ક્રમે
કોંગ્રેસ પાસે ભાજપથી વધુ બેલેન્સ : ખર્ચ કરવામાં ભાજપ સૌથી મોખરે
નવીદિલ્હી, તા.1પ : બેન્ક બેલેન્સનાં મામલે માયાવતીનો બસપા અન્ય તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો કરતાં સદ્ધર છે. બસપા દ્વારા 2પ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી અનુસાર તેનાં સરકારી બેન્કોનાં 8 ખાતામાં 669 કરોડ રૂપિયાની થાપણો છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ નહીં ખોલાવી શકનાર બસપા પાસે 9પ.પ4 લાખ રૂપિયા રોકડા છે. જ્યારે તેનાં ગઠબંધન સહયોગી પક્ષ સપા બેન્ક બેલેન્સની યાદીમાં બીજા ક્રમે આવે છે. તેની પાસે કુલ મળીને 471 કરોડ રૂપિયાની થાપણો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન તેનાં ખાતામાંથી 11 કરોડ રૂપિયા ઓછા થયા છે.
આ યાદીમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે છે અને તેની પાસે 196 કરોડ રૂપિયાની બેલેન્સ છે. જો કે આ જાણકારી ગત વર્ષે 2 નવેમ્બરે ચૂંટણીપંચને આપેલી વિગતો આધારિત છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસે પોતાની આર્થિક સ્થિતિનો ચિતાર આપેલો નથી. જ્યારે ભાજપ  આ યાદીમાં પ્રાદેશિક પક્ષ કરતાં ય પાછળ છે. ટીડીપી ચોથા ક્રમે અને ભાજપ આ યાદીમાં પાંચમા સ્થાને છે. ભાજપનાં બેન્ક ખાતાઓમાં 82 કરોડ રૂપિયા જમા બોલે છે. જ્યારે ટીડીપી પાસે 107 કરોડ રૂપિયા છે. ભાજપનો દાવો છે કે 2017-18માં મળેલા 1027 કરોડમાંથી 7પ8 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. જે કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવેલા ખર્ચમાં સૌથી વધુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer