જયા પ્રદા ઉપર અશ્લિલ નિવેદન કરી ઘેરાયા આઝમ ખાન

જયા પ્રદા ઉપર અશ્લિલ નિવેદન કરી ઘેરાયા આઝમ ખાન
રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ, કોંગ્રસે ચૂંટણી પંચ, અખિલેશને કરી કાર્યવાહીની માગણી
લખનઉ, તા. 15 : લોકસભા ચૂંટણીમાં રાજનીતિક ઘમાસાણ વચ્ચે ભાજપના ઉમેદવાર જયા પ્રદા સામે અશ્લિલ ટિપ્પણીને લઈને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ આઝમ ખાન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ ચૂંટણી પંચ અને એસપી અધ્યક્ષ અખિલેશ યાદવ સમક્ષ કાર્યવાહીની માગણી કરી હતી.  વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આઝમની ટિપ્પણીને દ્રૌપદીના ચિરહરણ સાથે સરખાવીને મુલાયમ સિંહ યાદવને ભીષ્મ બનીને મૌન ન રાખવાની સલાહ આપી હતી.
કોંગ્રેસે આઝમ ખાનની વાંધાજનક ટિપ્પણીની નિંદા કરતા ચૂંટણી પંચ અને અખિલેશ યાદવને આઝમ ખાન સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પક્ષ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ  કરીને કહ્યું હતું કે, જયા પ્રદા ઉપર આઝમની ટિપ્પણી અશ્લિલ અને તુચ્છ છે. આવા નિવેદન એક જીવંત લોકતંત્ર માટે અપમાનજનક છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટિપ્પણીને ખૂબ જ અયોગ્ય ગણાવ્યું હતું તેમજ નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચ સમક્ષ આઝમ ખાનને ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવાની માગણી કરી હતી. આ અગાઉ આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વિના આડકતરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, જેને આંગળી પકડીને રામપુર લઈને આવ્યા તેણે જ કેટલાય આરોપો મુક્યા છે. આઝમે ઉમેર્યું હતું કે, તમે 10 વર્ષ જેની પાસે પ્રતિનિધિત્વ કરાવ્યું તેને પારખવામાં તમને 17 વર્ષ લાગ્યા અને મને 17 દિવસમાં ખબર પડી ગઈ હતી કે તેના અંડરવેર ખાખી કલરના છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer