વર્લ્ડ કપની ટીમમાંથી પંત અને રાયડૂ આઉટ: વિજય અને કાર્તિકને તક

વર્લ્ડ કપની ટીમમાંથી પંત અને રાયડૂ આઉટ: વિજય અને કાર્તિકને તક
વિશ્વ કપની ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ: 1પ ખેલાડીની ટીમમાં કોઇ નવો ચહેરો નહીં
મુંબઇ, તા.1પ: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તા. 30 મેથી રમાનાર આઇસીસી વન ડે વર્લ્ડ કપની ભારતીય ટીમમાં યુવા વિકેટકીપર અને આક્રમક બેટસમેન રીષભ પંતને સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત ચોથા ક્રમની રેસનો મજબૂત બેટધર અંબાતિ રાયડૂને પણ ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ સ્કોવડમાં સામેલ કરાયો નથી. પસંદગીકારોએ કેએલ રાહુલ, વિજય શંકર અને દિનેશ કાર્તિકને તક મળી છે. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં કોઇ નવો ચહેરો કે આશ્ચર્યજનક નામ નથી. ત્રીજા સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ જશે. કેપ્ટન વિરાટ કોહલી છે અને વાઇસ કેપ્ટન તરીકે રોહિત શર્મા છે.
વર્લ્ડ કપની ભારતીય ટીમમાં ત્રણ ઓપનિંગ બેટસમેન તરીકે શિખર ધવન, રોહિત શર્મા અને કેએલ રાહુલ છે. મીડલ ઓર્ડરમાં સુકાની વિરાટ કોહલી, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, વિજય શંકર અને હાર્દિક પંડયા છે. જ્યારે ઝડપી બોલર તરીકે બુમરાહ, શમી, ભુવનેશ્વર છે. તેને ઓલરાઉન્ડર તરીકે હાર્દિકનો સાથ મળશે. કુલદિપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ બે રીસ્ટ સ્પિનર છે. તો રવિન્દ્ર જાડેજા સ્પિનર ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહેશે.
રિપોર્ટ અનુસાર કેએમકે પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 13 નામ ફિકસ કરી લીધા હતા. ફકત બે નામ પર જ બેઠકમાં ચર્ચા થઇ હતી. જેમાં રાયડૂ અને પંત આખરે કપાયા હતા અને વિજય શંકર અને દિનેશ કાર્તિકને ટીમમાં સમવાયા હતા. ઓલરાઉન્ડર હોવાની ક્ષમતાને લીધે વિજય શંકરે બાજી મારી હતી. તો અનુભવી અને સારા વિકેટકીપીંગને લીધે પંતના સ્થાને કાર્તિકને મોકો અપાયો હતો.
ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યજુર્વેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી.
201પની વિશ્વ કપની ટીમના 7 ખેલાડી જળવાઇ રહયા
201પનો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ધરતી પર રમાયો હતો. એ વર્લ્ડ કપની ભારતીય ટીમના સાત ખેલાડી ફરી એક વાર વિશ્વ કપ રમશે. 201પનો વિશ્વ કપ રમનાર ખેલાડી એમએસ ધોની, વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી આ વખતે પણ પસંદ થયા છે.
1983 અને 2011માં ચેમ્પિયન
ભારતીય ટીમ ત્રીજા વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ઇંગ્લેન્ડ જશે. ટીમ ઇન્ડિયા તેના મિશન વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ પ જૂને દ. આફ્રિકા સામે રમીને કરશે. ભારતીય ટીમ સૌથી પહેલીવાર 1983માં કપિલ દેવની આગેવાનીમાં વિશ્વ વિજેતા બની હતી. આ પછી ઘરઆંગણે રમાયેલા 2011ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ચેમ્પિયન બની હતી. 2011ની વિશ્વ કપની ભારતીય ટીમના બે જ ખેલાડી ધોની અને કોહલી 2019ના વર્લ્ડ કપમાં રમશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer