વાહ રે દેશભક્તિ: ભિક્ષાવૃત્તિમાં મળેલા નાણા શહીદોને અર્પણ !

વાહ રે દેશભક્તિ: ભિક્ષાવૃત્તિમાં મળેલા નાણા શહીદોને અર્પણ !
મુળ જોડીયાના બાલંભા ગામના વૃધ્ધ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને દાન આપવાની વાત કરતા સૌ કોઇ ચોંકી ઉઠયા
રાજકોટ : કહેવાય છે કે ‘દેશપ્રેમ’ એ ભારતીયોના હૃદયમાં સદૈવ ધબકતો રહે છે. ત્યારે જ દેશમાં કોઇપણ આપદા આવે ત્યારે ભારતવાસીઓ પોતાની એક્તાનો પરીચય કરાવી દે છે. તો સાથે સાથે તે આપદાને નિવારવા માટે બનતી મદદ પણ નાનામાં નાના શહેર અને નાનામાં નાના વ્યક્તિ દ્વારા
કરાઇ છે.
આવી જ કંઇક ઘટના રાજકોટમાં બની છે કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહાય કરવા દેશભરમાંથી મદદ અર્પણ કરાઇ હતી. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે રાજકોટમાં ભીક્ષાવૃતિ કરીને જીવન વ્યતિત કરતા એક ભીક્ષુકે તેની ભીક્ષાવૃતીથી મેળવેલી રકમ રૂા.1110 પુલવામામાં શહીદ થયેલા જવાનોને અર્પણ કરી છે. જી હા મુળ જામનગરના જોડીયા તાલુકાના બાંલભા ગામના વતની અને મહેસાણા ખાતે ખીમજીભાઇ પ્રજાપતી ઉર્ફે ગોદડીબાપુ તરીકે ઓળખાતા  આ ‘દાતા’એ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર બ્રાંચમાં આવી તેમણે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં 20 દિવસ દરમિયાન ભીક્ષાવૃતી કરી જે રકમ મેળવી હતી તે રૂા.1110 ની રકમ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને દાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. માથે ટોપી, મેલો કુર્તો અને સફેદ દાઢી ધરાવતા આ ગોદડીયા બાપુને જોઇને પ્રથમ તો સૌ કોઇ ચોંકી ઉઠયાં હતાં પરંતુ આ તો ‘ભારત દેશ’ છે. આ દેશમાં બધું જ શક્ય છે. એક સામાન્ય ભિક્ષાવૃતી કરતા ગોદડીબાપુની વાત સાંભળી નિવાસી અધિક કલેક્ટરે રૂબરૂ તેમણે એકઠી કરેલી રકમ રૂા.1110નો દાન સ્વરૂપે સ્વીકાર કર્યો હતો. જે જોઇને ત્યાં હાજર સૌ કોઇની આંખો કહી રહી હતી કે ‘દેશપ્રેમ ઝીંદાબાદ’
ભિક્ષુક ખુદ કેન્સરથી પીડાય છે
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભીક્ષાવૃતીથી એકઠી કરેલી રકમ શહીદોને અર્પણ કરનાર ગોદડીબાપુ (ઉ.71) ઘણા સમયથી કેન્સરથી પીડીત છે. હાલ તે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યાં છે. અગાઉ પણ દેશમાં આવેલી આફતો સમયે પણ તેમણે ભીક્ષાવૃતીથી એકઠી કરેલી રકમ દાનમાં આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer