શહેરમાં પાન- ફાકીના દૂષણને ડામવા ઈમોશનલ મેસેજ સાથે બેનરો લાગશે

શહેરમાં પાન- ફાકીના દૂષણને ડામવા ઈમોશનલ મેસેજ  સાથે બેનરો લાગશે
સ્વચ્છ સર્વેક્ષણ 2020ની તૈયારીઓ શરૂ
રાજકોટ તા.19 : શહેરને સ્વચ્છ શહેર નં.1 બનાવવાની નેમ સાથે મ્યુનિ.તંત્ર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજરોજ મ્યુનિ.કમિશનર બંછાનીધિના અધ્યક્ષસ્થાને મળેલી એક બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ આ ઝુંબેશમાં સહભાગી થવા હકારાત્મક અને ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપ્યો હતો.
‘રોટરી કલબ મીડ ટાઉન’ દ્વારા મનપાની 6 હાઇસ્કૂલમાં સેનેટરી પેડ મશીન તથા ઇન્સીનરેશન મશીન લગાવવા તેમજ ‘સ્વચ્છતા પાકીટ’ બનાવી આપવા સહમતિ દર્શાવવામાં આવી હતી તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી છોટુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારનાં નાગરિકોને સેગ્રીગેશન એટ સોર્સ એટલે કે સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા વિશે સમજણ આપી, પ્રોત્સાહિત કરવા સહમતિ દર્શાવવવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન દ્વારા આગામી સત્રથી પ્રાર્થના સાથે ‘સ્વચ્છતા ગીત’ વગાડવાની સહમતિ દર્શાવવવામાં આવી હતી જ્યારે રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પાન-ફાકીના દુષણને ડામવા માટે ‘વીડિયો સોંગ’ બનાવવાની તૈયારી દર્શાવી છે તથા તમામ પાનના ગલ્લા પર પાન-ફાકીના દુષણને ડામવા માટે ‘ઇમોશનલ મેસેજ’ દર્શાવતા બેનર તથા સ્ટીકર લગાવવા સહમતિ દર્શાવી છે.
આ ઉપરાંત જે.સી.આઇ.સિલ્વર દ્વારા સ્વચ્છતા બાબતની સોશિયલ  મીડિયામાં અવેરનેશની કામગીરી કરવા સહમતિ દર્શાવેલ છે. તથા દરેક ઘરે ઘરે સેગ્રીગેશન એટ સોર્સ બાબતના સ્ટીકર છપાવી વિતરણ કરવા સહમતિ દર્શાવેલ છે.મિશન આર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા રવિવારે ફન સ્ટ્રીટમાં ‘સ્વચ્છતા અંગે નાટક’ તથા ‘સ્વચ્છતા  હરીફાઇ’ કરવા સહમતિ દર્શાવવામાં આવી છે. શહેરમાં તમામ મંદિરોમાં રોજ મોટી માત્રામાં ફૂલ ચડાવવામાં આવતા હોય છે, અને રોજ સાંજે આ ફૂલનો નિકાલ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ને તાલીમ આપી ધાર્મિક સ્થળોમાંથી રોજબરોજ સાંજે પ્રાપ્ત થતાં આ ફૂલોમાંથી અગરબત્તી બનાવવા પ્રોત્સાહિત કરવા બધા એસોસિએશનને સહમતિ દર્શાવેલ છે.રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કાપડની થેલી ફ્રીમાં બનાવી આપવા પ્રોજેકટ કરવા સહમતિ દર્શાવેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer