પેલેસ રોડ પરથી મંગળવારી બજારને દૂર કરતું કોર્પોરેશન

પેલેસ રોડ પરથી મંગળવારી બજારને દૂર કરતું કોર્પોરેશન
ગોલ્ડ ડીલર્સ એસો. દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટ તા.19 : શહેરના વોર્ડ નં.14માં પેલેસ રોડ પર ગોલ્ડ માર્કેટના રસ્તે દર મંગળવારે ભરાતી ફેરિયા બજારના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હોય આજે મ્યુનિ.કમિશનરની સૂચનાથી જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દૂર કરાવી હતી.
પેલેસ રોડ પર ભરાતી મંગળવારી બજારના કારણે અહીં સોના-ચાંદીના દાગીનાનો શો-રૂમના માલિકો અને ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. ગઈકાલે ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા અને સેક્રેટરી જયેન્દ્રભાઈ રાણપરા દ્વારા પોપ્યુલર જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ, ડી.જે.જ્વેલર્સ, જે.પી.જ્વેલર્સ, મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ, મધુરમ જ્વેલર્સ, મીરા જ્વેલર્સ, મારૂતિ જ્વેલર્સ, ન્યુ રાધેક્રિષ્ના જ્વેલર્સ, અશોકભાઈ પાલા, ઓમ જ્વેલર્સ, વજુભાઈ જ્વેલર્સ, ધકાણ જ્વેલર્સ, પ્રેમજી વાલજી જ્વેલરી, ન્યુ કમલેશ જ્વેલર્સ, ગણેશ જ્વેલર્સ, શ્રીજી જ્વેલર્સ, નવકાર જ્વેલર્સ, જી.ખુશાલ જ્વેલર્સ, વૃજલાલ ખુશાલદાસ જ્વેલર્સ, હર્ષભાઈ પાલા, સુનિલભાઈ પાલા સહિતના 100થી વધુ સોની મહાજનોના હસ્તાક્ષર સાથેના એક આવેદનપત્ર સાથે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
વેપારીઓની રજૂઆતના પગલે આજે સવારથી જ મનપાની એસ્ટેટ શાખાની ટીમ હરકતમાં આવી હતી અને ચૂસ્ત પોલીસ અને વિજીલન્સ બંદોબસ્ત સાથે મંગળવારી બજાર શરૂ થાય તે પૂર્વે જ રેંકડીધારકો, પાથરાવાળાઓ, ફેરિયાઓને દૂર કરવામાં આવ્યાં હતાં હવે દર મંગળવારે સવારથી જ દબાણ હટાવ શાખા પેલેસ રોડ પર ત્રાટકશે અને ત્યાં ભરાતી મંગળવારી બજારને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. દરમિયાન આજે મંગળવારી બજાર ઉપરાંત રૈયા રોડ પરથી 10 રેકડી ઉપાડવામાં આવી હતી તો ચૂનારવાડ પૂલ પાસે રસ્તાને ચારે તરફ ભરાતી ભંગાર બજારનું 3 ટ્રક જેટલું દબાણ ભરીને ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer