સિવિલના તબીબો કંપનીઓના મહોરા છે?

સિવિલના તબીબો કંપનીઓના મહોરા છે?
મેડિકલ ઓફિસર અને રેસીડન્ટ તબીબો બહારની દવાઓ લખી દે છે
રાજકોટ, તા. 19: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબો ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓના મહોરા બની ગયા હોય તેમ દર્દીઓને બહારની દવા લખી દે છે.
પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે ઓળખાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં  1200થી વધુ બેડની સુવિધા છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. દરરોજ ચારેક હજાર જેટલા દર્દીઓ આવે છે. મોટાભાગે  ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી આવે છે.
હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને રેસીડન્ટ તબીબો ફાર્માસ્યુટીકલ કંપની પાસેથી મોટી રકમ કમિશન પેટે મેળવવા માટે તેના મહોરા બની જાય છે અને દર્દીઓને ઝડપી સાજા કરી દેવાની વાત કરીને ચોકકસ કંપનીની દવાઓ લખી દે છે. આ વાતને સમર્થન આપતા એક દર્દીના સંબંધીએ જણાવ્યું હતું કે, થોડા વર્ષ પહેલા શારીરિક રીતે તંદુરસ્ત એવા હટ્ટાકટ્ટા એવા તેમના એક સંબંધીને કુતરૂ કરડયું હતું. આથી તે ઇન્જેકશન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં. આ વ્યકિતને હડકવા વિરોધી ઇન્જેકશન આપવાની સાથોસાથ ફરજ પરના મેડિકલ ઓફિસરે તેને શકિતની દવાઓ લખી આપી હતી. અભણ એવા એ દર્દીએ મેડિકલ ઓફિસરે લખી દીધેલી દવાઓ ખરીદ કરી લીધી હતી. બાદમાં તેને એ દવા શકિતની હોવાનું જાણવા મળ્યું હતું. આથી તે આશ્ચર્યમાં પડી ગયા હતાં કારણ કે, તેની તંદુરસ્તી સારી હોવા છતાં  શકિતની દવા કેમ લખી આપવામાં આવી? આ તો સામાન્ય બાબત છે, આ ઉપરાંત તાવ, શરદી ઉધરસ, મેલેરિયા, ડેંગ્યુ, ટાઇફોઇડ, કિડની, હૃદય સહિતના રોગ માટે પણ બહારની દવાઓ અને ઇન્જેકશનો લખી આપવામાં આવે છે.
ઓપીડીમાં બેસતા તબીબો દ્વારા મોટાભાગે કોરા કાગળમાં દવાઓ લખી દેવામાં આવે છે, ઘણી વખત દર્દીને તપાસે છે એક તબીબ અને તેની સાથેનો બીજો તબીબ તેની સૂચના મુજબ દવા લખી આપે છે. સિવિલમાં ગરીબ અને અભણ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી કયા તબીબે દવા લખી દીધું તેનું નામ પણ જાણતા નથી.
બહારની દવાઓ લખી દેવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવે છે કે, ઘણી વખત સરકાર દ્વારા આપવામાં આવેલી દવાનો જથ્થો ખલાસ થઇ ગયો હોય છે. તેના કારણે ઘણી વખત બહારની દવા લખી દેવામાં આવે છે. હોસ્પિટલના તબીબો દ્વારા બહારની દવા અને ઇન્જેકશનો લખી દેવાયા બાદ ચોકકસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા, ઇન્જેકશન લેવાની સૂચના આપવામાં આવે છે. મેડિકલ સ્ટોરના સંચાલકો અને ફાર્માસ્યુટીકલ કંપનીના પ્રતિનિધિ દ્વારા દવા, ઇન્જેકશન લખનાર તબીબને તગડુ કમિશન આપવામાં આવે છે. એટલુ જ નહી પણ મોંઘી ગીફટ કે વિદેશ પ્રવાસની પણ લાલચ આપવામાં આવે છે. આ લાલચમાં ફસાઇને તગડો પગાર મેળવનાર તબીબો બહારની દવા, ઇન્જેકશનો લખી આપે છે. ઝડપથી સાજા થવાની ઇચ્છાના કારણે દર્દીઓ બહારની દવાઓ ખરીદી લે છે. આ રીતે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કંપનીઓના મહોરા બનીને કામ કરતા હોય તેવો તાલ સર્જાયો છે.
ઇમરજન્સીનો ખેલ
સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીના નામે પણ મોટો ખેલ ચાલે છે. રાતવેળાએ અકસ્માત સહિતના કારણોસર સારવાર માટે આવેલા દર્દીનું ઓપરેશન કરવાનું થાય ત્યારે દર્દીના શરીરમાં બેસાડવા માટે પ્લેટ, સળિયા સહિતના સાધનોની ઇમરજન્સી ખરીદી કરવામાં આવે છે. હોસ્પિટલના સ્ટોરમાંથી જ સાધનો કાઢીને ફીટ કરાયા હોવા છતાં બહારથી એ સાધનો મંગાવીને લગાડવામાં આવ્યાના કાગળો ઉભા કરીને તેના બીલ વગેરે મંજુર કરીને હોસ્પિટલના અધિકારીઓ એક રાતમાં મોટી રકમ ખિસ્સામાં નાખી દે છે.
ખાનગી તબીબો દર્દીઓને ખેંચી જાય છે?
સિવિલમાં માનદ સેવા આપવા માટે આવતા  ખાનગી તબીબો દ્વારા થોડા ખમતીધર દર્દીને તેની હોસ્પિટલમાં ખેંચી જવાનો પ્રયાસ થાય છે. આ દર્દીને સિવિલ કરતા તેની ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવશે અને ઝડપથી સાજા થઇ જશો તેવી વાત કરીને દર્દીઓને ખેંચી જવામાં આવે છે. આ માટે તેના વચેટિયાઓ પણ સક્રિય હોય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer