લીંબડીની બેન્કમાં મહિલાને ભોળવી રૂ.8000 લઇ ગઠિયા ફરાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

લીંબડી, તા.19: લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એચ.કે. શાળા પાસે રહેતા વસંતબેન છગનભાઇ લકુમ બહેનના દીકરાના પ્રસંગે વ્યવહાર કરવા પૈસા ઉપાડવા આવ્યા હતા.
ગ્રાહકોના  ધસારા માટે જાણીતી એસ.બી.આઇ. બેંકમાં સોમવાર હોવાથી લોકોની ભીડ  વધારે હતી. માંડ-માંડ નંબર આવતા મહિલાએ 20,000 રૂપિયા ઉપાડયા પરંતુ બેંકમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં હોવાથી મહિલાએ પૈસા કાઉન્ટર પર ગણવાને બદલે બેંક બહાર આવ્યા ત્યારે બે થી ત્રણ ગઠિયા મહિલા ઉપર બાજ નજર રાખી બેઠા હતા. મહિલા જ્યારે પૈસા ગણી રહ્યા હતા ત્યારે એક  વ્યક્તિએ ‘500 રૂ.ની નોટ ખોટી  લાગે છે લાવો જોઇ આપું’ તેમ કહી મહિલાની નજર ચૂકવી 500 રૂ.ની 16 નોટ સેરવી લીધી  અને બેંકવાળાએ તમને ઓછા પૈસા આપ્યા છે બાકીના પૈસા લઇ આવો તેમ કહી ગઠિયો ત્યાંથી નાસી ગયો હતો.
વસંતબેન લકુમ બુમાબુમ કરતા બેંક અંદર જઇ સમગ્ર ઘટનાની જાણ કરી બેંક કર્મીને કોઇ અઘટિત ઘટના બની અંદર જઇ સમગ્ર ઘટનાના જાણ કરી હતી. બેંક બહાર આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો ગઠિયાઓ નાસી છૂટયા હતા. ત્યાર બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે સાચી ઘટના સામે આવી હતી.
બેંકમાં બે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં પણ ધોળા દિવસે બેખોફ બનીને આટલા લોકોની હાજરીમાં થયેલી તસ્કરીથી લોકો દંગ રહી ગયા હતા અને શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ અનેક સવાલો ઉઠયા છે.
ચોરી કરતા શખસો બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બેંક દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ગઠિયાઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer