શરીરમાંથી મેલુ કાઢવાનું કહીને કિશોરીનો દેહ અભડાવ્યો

જામખંભાળિયા, તા. 19: જામ કલ્યાણપુરના ભાટવડિયા ગામે ભુવાએ ભારે કર્યાનો બનાવ નોંધાયો હતો.  શરીરમાંથી મેલુ કાઢવાનું કહીને ભુવાએ ભાટિયાની કિશોરીનો દેહ અભડાવ્યો હતો.
જામકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતાં પરિવારની  સગીર વયની પુત્રીને કંઇક શારીરિક સમસ્યા ઉભી થઇ હતી. આ સમયે ભાટવડિયા ગામનો ભગત કરશનભાઇ સોનગરા નામનો શખસ તેના સંપર્કમાં આવ્યો હતો. આ શખસે તે મામાદેવનો ભુવો હોવાની વાત કરી હતી અને કિશોરીના શરીરમાં મેલુ છે, તેના શરીરમાંથી મેલુ કાઢવું પડશે તેમ કહીને મોડી રાતના સમયે તે કિશોરીને લઇને ભાટવડિયા ગામની સીમ વિસ્તારમાં લઇ ગયો હતો. આ સ્થળે ખેતરમાં કહેવાતા ભુવા ભરત સોનગરાએ  કિશોરીના કપડા કઢાવી, શરીરે ભભુતી લગાવીને અડપલા  કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યુ હતું. એટલુ  જ નહીં પણ કોઇને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. એ પછી ભોગ બનનાર કિશોરીએ તેની વિતક તેની માતાને કહી હતી. તેની માતાની ફરિયાદ પરથી ભુવા ભરત કરશનભાઇ સોનગરા સામે દુષ્કર્મ, ધમકી  સહિતના આરોપસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સીપીઆઇ પી.એ.દેકાવાડિયા અને તેની ટીમે  તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો. તેને કોર્ટમાં રજુ કરાતા જેલ હવાલે કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer