મોરબી : સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખની ફેક્ટરીમાં ઘુસી ચાર શખસનો હુમલો

ઉદ્યોગપતિઓ હોસ્પિટલ દોડી ગયા, એસપી અને કલેકટરને રજૂઆત
મોરબી તા.19: મોરબી પંથકમાં લુખ્ખા અને અસામાજિક તત્વો બેખોફ બની ગયા હોય અને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે જેના જીવંત ઉદાહરણ સમાન આજે સિરામિક ફેક્ટરીમાં ચાર શખસોએ આતંક મચાવીને સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ અને કારખાનેદારને માર
માર્યો હતો.
સિરામિક એસોના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સુખદેવભાઈ લાલજીભાઈ પટેલ આજે તેની માર્બોમેક્સ નામની ફેક્ટરીએ હોય ત્યારે ચાર ઈસમો ફેક્ટરીમાં આવ્યા હતા અને લોખંડના પાઈપ વડે કારખાનેદારને માર મારતા ઈજાગ્રસ્તને શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ પર થયેલા હિચકારા હુમલાને પગલે અગ્રણી ઉદ્યોગપતિ હોસ્પિટલ દોડી ગયા હતા અને સુખદેવભાઈના ખબર અંતર પૂછ્યા હતા તેમજ બનાવથી ઉદ્યોગપતિઓમાં રોષ જોવા મળ્યો હતો.
આ મામલે જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી તેમજ જાંબુડિયા પાસે હુમલો કરનાર ઇસમોએ દબાણો કર્યા હોય જે મામલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે તો દબાણો તોડવા પણ ઉદ્યોગકારોએ તંત્રને રજૂઆત કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer