જેટ એરવેઝનું સંકટ સર્જશે હવાઈ પરિવહનની કટોકટી !

જેટ એરવેઝનું સંકટ સર્જશે હવાઈ પરિવહનની કટોકટી !
નવીદિલ્હી, તા.19: એકબાજુ બોઇંગ 373 મેક્સ વિમાનોની ઉડાનો ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા બાદ પ્રવાસીઓનાં ધસારાને પહોંચી વળવાની વ્યવસ્થા અને ભાડામાં અણધાર્યો વધારો પડકાર સર્જી રહ્યો છે ત્યારે બીજીબાજુ હવે જેટ એરવેઝનાં આર્થિક સંકટે ભારતીય હવાઈ પરિવહન સામે નવી મુશ્કેલીઓ ઉભી રાખી દીધી છે. જો ચાલુ માસના અંત સુધીમાં બાકી પગાર નહીં ચૂકવાય તો જેટ એરવેઝના પાઇલટોએ 1 એપ્રિલથી વિમાન ઉડાડવાનું બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે. બીજીબાજુ કર્મચારીઓને કુલ 3 માસનું વેતન ચૂકવાયું નહીં હોવાનાં કારણે વિમાન કંપનીનાં એન્જિનિયરોએ સુરક્ષા પણ જોખમાતી હોવાની તાકિદ કરી છે. સરકારે જેટને આ સમસ્યામાંથી ઉગારવા માટે કેન્દ્રીય બેન્કોને અનુરોધ કર્યો હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં જાણવા મળે છે. દરમિયાન મુલ્કી ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પણ જેટ એરવેઝની આ મુશ્કેલી અંગે બેઠકો યોજવા ઉડ્ડયન સચિવને દોરવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝ ઉપર કુલ 1 અબજ અમેરિકી ડોલર (આશરે 689પ કરોડ રૂપિયા) જેટલું ગંજાવર કરજ છે. જેને પગલે એરલાઇન કંપનીએ બેન્કો, પોતાનાં સપ્લાયર્સ, પાઇલટ અને અન્ય સ્ટાફને તમામ પ્રકારની ચુકવણીઓ અટકાવી દીધી છે. આટલું જ નહીં તેનાં 119 વિમાનોમાંથી અત્યારે ફક્ત 41 વિમાનો ઉડી રહ્યા છે. જો હવે પાઇલટ ચિમકીનો અમલ કરે અને જેટની સેવા સંપૂર્ણપણે ખોરવાય તો દેશનાં હવાઈ પરિવહનમાં જબરું સંકટ સર્જાઈ શકે છે. જેટ એરવેઝ દ્વારા આ મુશ્કેલીમાંથી નીકળવા માટે પોતાના ભાગીદાર એતિહાદ એરવેઝ સાથે રેસ્ક્યુ ડીલની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ડીજીસીએના કહેવા અનુસાર આ સ્થિતિ અત્યંત ગંભીર છે અને આવનારા સમયમાં જેટનાં વધુ વિમાનો ઉડતા બંધ થવાની શક્યતા નકારી શકાતી નથી.
ભારત સરકારે સરકારી બેન્કોને જણાવ્યું છે કે જેટ એરવેઝને દેવાળિયા પ્રક્રિયામાં મોકલ્યા વગર  તેની મદદ કરવામાં આવે. સામાન્ય ચૂંટણી પહેલાં જ હજારો લોકોની નોકરી જાય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છશે નહીં. વહીવટી તંત્ર સાથે જોડાયેલી બે વ્યક્તિએ એક સમાચાર એજન્સીને આમ જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે નાણા મંત્રાલયે જેટ એરવેઝની આર્થિક હાલતને લઈને બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં બેન્કો પાસેથી નિયમિત જાણકારી ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. તાજેતરના મહિનાઓમાં બેન્કોએ રિવાઈવલ યોજના અંગે સાપ્તાહિક રૂપથી જાણકારીઓ આપી હતી અને સરકારની સલાહ પણ માગી હતી. નામ જાહેર ન કરવાની શરતે જેટના એક કર્જદાતાએ કહ્યું હતું કે નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી આ મુદ્દા પર નિયમિત અપડેટ માગે છે.
અમારી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવાનું અમારે માટે વિકટ બન્યુ છે પરિણામે કાર્યરત વિમાન ઈજનેરોની માનસિક સ્થિતિને માઠી અસર થઈ છે અને તેથી ‘જેટ’ના મુંબઈ તથા વિશ્વભરમાં ઉડાવાતા વિમાનોની સલામતી જોખમમાં છે એમ જેટ એરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસો.ને મુલ્કી ઉડ્ડયનના ડીજીને આપેલા પત્રમા જણાવ્યુ હતું.  જેટના ચેરમેન નરેશ ગોયલે પાયલટોને જણાવ્યુ હતું કં. સામેના પ્રશ્નો ઉકેલવા થોડો વધુ સમય જોઈશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer