7 આતંકીની 13 મિલકતો જપ્ત કરતું ઈડી

7 આતંકીની 13 મિલકતો જપ્ત કરતું ઈડી
સલાહુદ્દીન સહિત હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ ઉપર ધોંસ: મોહમ્મદ સફી શાહની સંપત્તિ પણ જપ્ત
નવીદિલ્હી, તા.19: ભારતમાં આતંકવાદી સંપત્તિઓ સામે ધારદાર કાર્યવાહી કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સાત આતંકવાદીઓની 13 મિલકતોને જપ્ત કરી લીધી છે. આ તમામ સંપત્તિઓ જમ્મુ - કાશ્મીરમાં જ છે. જેમાં મોહમ્મદ સફી શાહની મિલકતોનો પણ સમાવેશ થાય છે.
હિઝબુલ મુજાહિદ્દીન પાકિસ્તાન પ્રેરિત આતંકી જૂથ છે. તેનો સરગના સૈયદ સલાહુદ્દીન છે. તેનો ઈરાદો ભારતમાં અશાંતિ સર્જવાનો છે અને ભારતમાં આતંકી ગતિવિધિ ઉપર તેનું નિયંત્રણ હોય છે. તે પાકિસ્તાનનાં રાવલપિંડીમાં રહીને આતંકી ગતિવિધિઓ ચલાવે છે અને ટ્રસ્ટની આડમાં તે ભારતમાં ભંડોળ પૂરું પાડતો રહે છે. આવા આતંકવાદી ષડયંત્રોને અમલમાં મૂકવા માટે હવાલા, માનવ કેરિયર અને બેન્કિંગ ચેનલોનાં માધ્યમથી નાણાંની હેરાફેરી થતી હોય છે. તેની સામે કાર્યવાહી કરતાં ઈડીએ હિઝબુલનાં 7 આતંકવાદીઓ ઉપર ધોંસ બોલાવતા તેની મિલકતો જપ્ત કરી લીધી છે. તેની કિંમત આશરે 1.22 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
સફી શાહને આતંકવાદી ભંડોળની હેરાફેરીનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. જે આતંકવાદીઓને નાણાં પહોંચતા કરવાની વ્યવસ્થા કરતો રહે છે. આના હિસાબે તેની પોતાની મિલકતો પણ વધી રહી હતી.
ઉલ્લેખનીય છે કે ઈડીએ ગુરુગ્રામમાં લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફીઝ સઈદ સાથે જોડાયેલો એક વિલા પણ તાજેતરમાં જ જપ્ત કર્યો હતો. તેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ વિલા શ્રીનગરના કારોબારી ઝહૂર અહમદ શાહ વટાલીનો હતો અને તેને સઈદે નાણાં આપ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer