આખરે દેશને મળ્યા પ્રથમ લોકપાલ

આખરે દેશને મળ્યા પ્રથમ લોકપાલ
જસ્ટિસ પી.સી.ઘોષ સાથે ભ્રષ્ટાચાર વિરોધી તંત્રમાં ન્યાયિક અને બિનન્યાયિક નિયુક્તિઓને રાષ્ટ્રપતિની મંજૂરી

નવીદિલ્હી, તા.19: લોકસભા ચૂંટણી પહેલા જ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષને કેન્દ્ર સરકારે દેશનાં પ્રથમ લોકપાલ નિયુક્ત કરી દીધા છે. સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ ઘોષની ખ્યાતિ માનવ અધિકાર બાબતોનાં વિશેષજ્ઞ તરીકે રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે આજે તેમની નિમણૂકને ઔપચારિક મંજૂરી આપી હતી.
જસ્ટિસ પી.સી. ઘોષની નિયુક્તિ સાથે જ ન્યાયિક સદસ્યો તરીકે જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. ન્યાયિક સભ્યો સાથે સમિતિમાં 4 અન્ય સભ્ય તરીકે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય સચિવ દિનેશકુમાર જૈન, સશત્ર સીમા બળનાં પૂર્વ વડા અર્ચના રામસુંદરમ, મહેન્દ્ર સિંહ અને ડૉ.ઈન્દ્રજીત ગૌતમને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ નામોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની પસંદગી સમિતીએ રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. જેનાં ઉપર આજે મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળો મોદી સરકાર ઉપર લોકપાલની નિમણૂકમાં વિલંબનો આક્ષેપ કરતાં આવ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer