ભારતમાંથી જ હશે મારા ઉત્તરાધિકારી: દલાઈ લામા

ભારતમાંથી જ હશે મારા ઉત્તરાધિકારી: દલાઈ લામા
ધર્મશાલા, તા.19: તિબેટનાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું છે કે તેમના ઉત્તરાધિકારી ભારતમાંથી જ હશે. તેમણે કહ્યું હતું કે પોતાના જીવનનાં 60 વર્ષ તેમણે ભારતમાં ગાળ્યા છે અને ભારતમાં જ તેમનાં ઉત્તરાધિકારી હોઈ શકે છે. આટલું જ નહીં તેમણે ચેતવણીનાં સૂરમાં કહ્યું હતું કે ચીન દ્વારા ઘોષિત કરવામાં આવેલા કોઈપણ અનુગામીને સન્માન મળશે નહીં. જો કે ચીનને લામાની આ વાત ખૂંચી છે અને વળતી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે બૌદ્ધધર્મનાં નવા આધ્યાત્મિક નેતા માટે ચીનની સ્વીકૃતિ મેળવવી આવશ્યક બનશે.
દલાઈ લામા દ્વારા તિબેટ છોડયાની વર્ષગાંઠે તેમણે ધર્મશાળામાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ચીન માટે દલાઈ લામાનો પુનર્જન્મ ખૂબ જ મહત્વનો છે. એટલે જ તેમનાં માટે આગામી દલાઈ લામાની ચિંતા વધુ છે. જો ભવિષ્યમાં બે દલાઈ લામાની કલ્પના કરવામાં આવે તો આઝાદ મુલ્કનાં દલાઈ લામા અને ચીન દ્વારા ઘોષિત દલાઈ લામામાંથી ચીનનાં દલાઈ લામાને પૂરતું સન્માન મળશે નહીં તે સ્વાભાવિક છે. એટલે આ ચીનની પોતાની મુશ્કેલી છે. જો કે આવનારા સમયમાં આવી સ્થિતિ નિર્માણ પામે તેવી પૂરી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચીને કહ્યું હતું કે તેનાં નેતાઓ પાસે દલાઈ લામાનાં ઉત્તરાધિકારી પસંદ કરવાનાં અધિકાર છે. ભૂતકાળમાં ચીનનાં શાસકો દ્વારા તેમની પસંદગી કરવામાં આવતી રહી છે. જો કે તિબેટીયનોની સંખ્યા પણ મોટી છે જે કહે છે કે દલાઈ લામાનાં મૃત્યુ બાદ તેમની આત્મા કોઈ બાળકનાં શરીરમાં અવતરિત થાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer