રાજકોટની બેઠક માટે કુંડારિયા રિપીટ ? ભંડેરી-બોઘરાનાં નામ ચર્ચામાં

રાજકોટની બેઠક માટે કુંડારિયા રિપીટ ? ભંડેરી-બોઘરાનાં નામ ચર્ચામાં
અમદાવાદ, તા.19: ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિના આજે અંતિમ દિવસે કચ્છ અને રાજકોટ બેઠક પર ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને લોકસભાની ગુજરાતની 26 બેઠકોના ભાજપના ઉમેદવારો અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિના સભ્યો દ્વારા કવાયત હાથ ધરી પેનલ બનાવવામાં આવી છે. ભાજપના ઉમેદવારોનાં મંથન બાદ હવે સંભવિત ઉમેદવારોની યાદી પ્રદેશ હાઇકમાન્ડ દિલ્હી લઈને જશે અને દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ ક્રિનિંગ કરી ઉમેદવારોનાં નામ ઉપર મહોર મારશે અને તેની જાહેરાત કરશે.
આજે ત્રીજા અને અંતિમ દિવસે કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે સંભવિત ઉમેદવારોનાં નામ પર પરામર્શ કરવામાં આવ્યો હતો. કચ્છ લોકસભા બેઠક માટે નરેશ મહેશ્વરી અને વર્તમાન સાસંદ વિનોદ ચાવડાનાં નામ ચર્ચાયાં હતાં. આ ઉપરાંત મહિલા અગ્રણી, જિલ્લા પંચાયતના સભ્ય કે દલિત નેતાને પણ ભાજપ ટિકિટ આપી લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે રાજકોટ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સહિત ત્રણ નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ધનસુખ ભંડેરી અને ભરત બોઘરાનું પણ નામ પેનલમાં છે. જો કે મોહન કુંડારિયાને ફરી રીપીટ કરાય તેવી પૂરી સંભાવના છે. મોહન કુંડારિયા ટંકારાના 4 વખત ધારાસભ્ય પણ રહેલા છે અને તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે ત્યારે હવે ભાજપ દ્વારા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer