ધુળેટી બાદ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે ભાજપ

ધુળેટી બાદ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે ભાજપ
પોરબંદર લોકસભાની ટિકિટ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિતને મળી શકે
જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપરાંત ત્રણ નામો સ્પર્ધામાં

અમદાવાદ, તા.19: લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો માટેના દાવેદારોની સૂચિ તૈયાર કરી લીધી છે. આ દાવેદારોની યાદી હાઇકમાન્ડને સોંપવામાં આવશે જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે. તો બીજી તરફ હોળી-ધૂળેટી પછી ભાજપ સંપર્ક અભિયાન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. આ અભિયાન માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાનમાં
ગુજરાતના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી વધુ સભાઓ ગજવી શકે છે આ સાથે વડાપ્રધાન મોદીના રોડ-શો માટેનું પણ આયોજન થઇ રહ્યુ ંછે. આ સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલી, સ્મૃતિ ઇરાની સહિતના પ્રધાનો પણ સભાઓ ગજવી શકે છે. તો અન્ય રાજ્યોના આગેવાનોને ચૂંટણી માટે સંગઠનાત્મક જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે.  સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર દરમિયાન વડાપ્રદાન નરેન્દ્ર મોદી ડિજીટલ સભાઓ પણ સંબોધી શકે છે.  દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠકો માટે મંથન પુરું કર્યુ છે. મુખ્યપ્રધાન નિવાસ્થાને મળેલી ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રણ તબક્કામાં આ અંગે ચર્ચા થઇ છે. જેમાં પહેલા તબક્કામાં વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, આણંદ, સુરત, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. જ્યારે બીજા દિવસે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી અને ત્રીજા દિવસે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી.
જ્યારે પોરબંદર લોકસભા બેઠક પર વર્તમાન સાસંદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ચૂંટણી નહીં લડે, જેમના સ્થાને તેમના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત જશુમતિબેન કોરાટ અને મનસુખ ખાચરિયાના નામનો પેનલમાં સમાવેશ કરાયો છે.
અંતિમ તબક્કામાં જૂનાગઢ લોકસભા બેઠક પર ચર્ચા થઇ હતી, જેમાં વર્તમાન સાસંદ રાજેશ ચુડાસમા સહિત ત્રણ નામ સ્પર્ધામાં છે. જી.પી.કાઠી, ભગવાન કરગઢીયા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાનીના નામો પણ પેનલમાં છે.
દરમિયાન ભાજપના દિગ્ગજ અને વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી આ વખતે ચૂંટણી લડવાના નહીં હોવાથી તેમની ખાલી પડેલી ગાંધીનગરની બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જોરશોરથી ચાલી રહ્યા છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે રાષ્ટ્રીય પ્રમુખ હોવાને નાતે તેમને ભાજપને ચૂંટણી લડાવવા અને જીતાડવાની ખૂબ મોટી જવાબદારી નિભાવવાની છે ત્યારે તેઓ પોતે જ ચૂંટણી લડવામાં વ્યસ્ત બની જાય તો તેની સાર્વત્રિક રાજકીય અસર થશે અને ભાજપને નુકશાન થવાનો સંભવ છે. આ સંજોગોમાં ગાંધીનગરની બેઠક પર કોઇ મજબૂત પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે. જેમાં ઔડાના પૂર્વ ચેરમન ભૂપેન્દ્ર પટેલ તથા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer