કૉંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન માટે પવાર સક્રિય

કૉંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન માટે પવાર સક્રિય
શીલા દીક્ષિત પક્ષની નેતાગીરીના નિર્ણયને અનુસરશે
નવી દિલ્હી, તા. 19 : લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ગઠબંધનના પ્રયાસો વચ્ચે દિલ્હી કૉંગ્રેસનાં વડાં શીલા દીક્ષિતે આજે જણાવ્યું હતું કે તેઓ આપ સાથે જોડાણ કરવાની સંપૂર્ણ વિરુદ્ધમાં છે, પરંતુ તેમણે આનો નિર્ણય પક્ષની નેતાગીરી પર છોડયો છે અને તેઓ આ નિર્ણયને અનુસરશે.
એનસીપીના વડા શરદ પવારે બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરાવવાના પ્રયાસો કર્યા ત્યાર બાદ શીલા દીક્ષિતે ઉપર મુજબનું નિવેદન કર્યું હતું. શરદ પવારની મધ્યસ્થી બાદ આપ સાથે જોડાણ અંગે પુનર્વિચાર કરવા શીલા દીક્ષિત પોતાના ઘરે સાથીઓને મળ્યાં હતાં. આ નેતાઓએ ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તેમના બૉસના નિર્ણયને બંધનકર્તા રહેશે. 15 જેટલા ભૂતપૂર્વ કૉંગ્રેસ જિલ્લાપ્રમુખોએ આપ સાથે જોડાણ કરવા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને પત્રો પાઠવ્યા છે. આખરી નિર્ણય રાહુલ ગાંધી લેશે. શરદ પવારે આજે કૉંગ્રેસ અને આપના નેતાઓ સાથે અલગ-અલગ ચર્ચા કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. શરદ પવાર સૌપ્રથમ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા અને ત્યાર બાદ આપના સંજય સિંહને મળ્યા હતા. શરદ પવારે ગયા મહિને વિપક્ષોની બહાબેઠકનું આયોજન કર્યું હતું જેમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને મમતા બૅનરજી હાજર રહ્યાં હતાં. ત્રણ વાર દિલ્હીનાં મુખ્ય પ્રધાન રહી ચૂકેલાં શીલા દીક્ષિતના શાસનનો આપના ઉદય સાથે અંત આવ્યો હતો. શીલા દીક્ષિતે સોમવારે પત્ર પાઠવીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને એવી ચેતવણી આપી હતી કે આપ સાથે ગઠબંધનથી લાંબા ગાળે કૉંગ્રેસને નુકસાન થશે. તેમણે આવા ગઠબંધનને આત્મઘાતી ગણાવ્યું હતું અને પક્ષના કાર્યકરોનો ગૂંચવાડો દૂર કરવા પોતાનું વલણ સ્પષ્ટ કરવા પક્ષની નેતાગીરીને અનુરોધ કર્યો હતો. શીલા દીક્ષિતે આપ સાથે ગઠબંધનનો જોરદાર વિરોધ કર્યો હતો ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ઇન્ચાર્જ પી. સી. ચાકોએ મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપનો વિરોધ કરતા પક્ષો સાથે ગઠબંધન કરવાના કૉંગ્રેસના નીતિવિષયક નિર્ણયને દિલ્હીના કૉંગ્રેસના નેતાઓએ અનુસરવું જોઈએ. કારોબારી સમિતિ દ્વારા કરાયેલા નિર્ણય મુજબ પક્ષની નીતિ ભાજપનો વિરોધ કરતા પક્ષો સાથે ગઠબંધન કરવાની છે. મને આશા છે કે દિલ્હીના નેતાઓ આ નીતિને અનુસરશે એમ ચાકોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer