દિલ્હીમાં સંઘ ભાજપની વહારે : ‘નેશન ફર્સ્ટ, વોટિંગ મસ્ટ’ અભિયાન ચલાવશે

દિલ્હીમાં સંઘ ભાજપની વહારે : ‘નેશન ફર્સ્ટ, વોટિંગ મસ્ટ’ અભિયાન ચલાવશે
કાર્યકર્તાઓની નિક્રિયતાના કારણે આરએસએસ અપેક્ષા કરતા વધુ સક્રિય થયું
નવી દિલ્હી, તા. 19 : ભાજપના દિલ્હી એકમમાં પક્ષ અને સંગઠન સ્તરે કાર્યકર્તાઓ વચ્ચે આપસી સમન્વય અને સહયોગના અભાવ તેમ જ કાર્યકર્તાઓની નિક્રિયતાને કારણે હવે આરએસએસ અપેક્ષા કરતાં વધુ સક્રિય થયું છે. આરએસએસના નેતૃત્વમાં આવતા મહિનાથી “નેશન ફર્સ્ટ, વોટિંગ મસ્ટ’’ અને “યુવા મતદાતા, ભાગ્ય વિધાતા’’ નામના અભિયાન શરૂ કરવામાં આવશે.
હાલ રાજધાની દિલ્હી લોકસભાની સાતે સાત બેઠકો પર ભાજપનો કબજો છે અને દિલ્હી નગર નિગમમાં ભાજપની બહુમતી હોવા છતાં આ સાત બેઠકોની જીત માટે પક્ષ ચિંતિત છે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આ વખતે સાતમાંથી ત્રણથી ચાર બેઠકો જ જીતી શકશે. આવી ચિંતાજનક હાલત હોવાથી આરએસએસએ હવે તેના તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
સૌથી પહેલાં તો મતદાર યાદીમાં નવા મતદાતાઓના નામ જોડવાનું કામ તેજીથી શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન તમામ વૉર્ડોમાં ચલાવવામાં આવતું હતું અને હવે સંઘના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ અભિયાન ચલાવશે. આ કાર્યકર્તાઓ મતદાર યાદીમાં નવા નામ દાખલ કરાવવાની સાથે સાથે મોદી સરકારની સિદ્ધિઓ અને લોકોપયોગી યોજનાઓથી પણ મતદાતાઓને અવગત કરાવશે.
મોદી સરકારની મજબૂત વિદેશ નીતિઓથી ભારતની વિશ્વમાં ધાક અને શાખ વધી ગઈ છે એ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવશે અને આ સંબંધમાં નાની પુસ્તિકાઓ પણ આપવામાં આવશે. આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહક સુરેશ ઉર્ફે ભૈયાજી જોશીએ સંઘના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે પ્રત્યેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer