પર્રિકરની તસવીર સાથે સાવંતે પદ સંભાળ્યું

પર્રિકરની તસવીર સાથે સાવંતે પદ સંભાળ્યું
ગોવામાં સરદેસાઈ અને ધવાલિકર નાયબ મુખ્યમંત્રી : આજે બહુમતીની કસોટી
5ણજી, તા. 19 : ગોવાના મુખ્યમંત્રી તરીકે ગઈ મોડી રાત્રે શપથ લીધા બાદ ડો. પ્રમોદ સાવંતે આજે પદનો કાર્યભાર સંભાળી લીધો હતો. ખાસ વાત એ રહી કે સાવંતે સદ્ગત મનોહર પાર્રિકરની તસવીર સાથે રાખીને કામકાજની શરૂઆત કરી હતી. સાવંત એવો સંદેશ આપવા માગે છે કે તેમણે ગોવામાં પાર્રિકરનો વારસો સંભાળ્યો છે પણ પોતાના ગુરુનું સ્થાન લેવા માગતા નથી, માટે જ તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં બે ખુરશી રખાવી હતી અને સાથેની ખુરશીમાં પાર્રિકરની તસવીર રાખી હતી. ઉલ્લેખનીય છે કે એ જ ખુરશી પર પાર્રિકર બેસતા હતા. આ દરમિયાન આવતીકાલે બુધવારે સરકારનું બહુમતીની કસોટી થશે
કાર્યભાર સંભાળ્યા બાદ સાવંતે કહ્યું હતું કે તેઓ ગોવાના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. પાર્રિકરજીના પેંગડામાં પગ નાખવો બહુ મુશ્કેલ છે પણ હું પૂરતી કોશિશ કરીશ.
તેમણે જણાવ્યું હતું કે હું દરેક વિનંતી કરું છું કે 7 દિવસના રાષ્ટ્રીય શોક દરમ્યાન કોઈ મારું ફૂલોથી સ્વાગત કરે નહીં અને કોઈ મને અભિનંદન પણ આપે નહીં. મારી સાથે બે નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈ અને સુધિન ધવાલિકર પણ રહેશે.  46 વર્ષના સાવંત ગોવાના બિચોલિમ તાલુકાના કોટોંબી ગામના છે અને નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલા હતા. હકીકતમાં સંઘ સાથે સંકળાયેલા તેઓ હવે ગોવાના એક માત્ર ધારાસભ્ય છે. તેમના પિતા પાંડુરંગ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્ય પણ રહી ચૂક્યા છે.
ડો. સાવંત પાર્રિકરની પહેલી પસંદ હતા. મુખ્યમંત્રીપદના શપથ લેતાં પૂર્વે તેમણે કહ્યું હતું કે, મને પાર્રિકર જ રાજકારણમાં લાવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer