વિદેશમાં ખેલાડીના સ્વજનોની વ્યવસ્થા BCCI માટે નવો પડકાર

વિદેશમાં ખેલાડીના સ્વજનોની વ્યવસ્થા BCCI માટે નવો પડકાર
વિશ્વકપ દરમિયાન ટીમ ઈન્ડિયા, બોર્ડના અધિકારી અને વીઆઈપી દર્શકો માટે દોડાદોડી વચ્ચે પરિવાર માટે વ્યવસ્થા કરવા બોર્ડની કવાયત
નવી દિલ્હી, તા. 19 : ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહી પણ સોશિયલ મિડિયાનો પણ ચેમ્પિયન છે. તે દુનિયાના કોઈપણ ખુણામાં હોય ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસવીર મુકવાનું નથી ભુલતો. ખાસ કરીને પોતાની પત્ની અને બોલીવુડ સ્ટાર અનુષ્કા સાથે. ન્યુઝિલેન્ડ સામે ત્રણ વનડે જીતીને કોહલીએ અનુષ્કા શર્મા સાથે વેકેશન માણવાનો નિર્ણય કર્યો હતો અને એક લેકના કિનારે બન્નેની રોમેન્ટિક તસવીર પણ સામે આવી હતી. ઈન્સ્ટાગ્રામ ઉપર આ તસવીરને 38 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. જો કે હવે પ્રવાસ દરમિયાન ગર્લફ્રેન્ડ કે પરિવારને સાથે રાખવા મામલે બીસીસીઆઈ સતત ગુંચવણ અનુભવી રહ્યું છે અને આ સમસ્યાનું યોગ્ય વ્યવસ્થા સાથે નિરાકરણ જરૂરી બન્યું છે. ખાસ કરીને વિશ્વકપ દરમિયાન બીસીસીઆઈ માટે વીઆઈપી લોકો સાથે ખેલાડીઓ અને તેના પરિવારની વ્યવસ્થા ભારણરૂપ બની રહેશે.
પ્રવાસ દરમિયાન પણ ઘણા લોકો વિરાટ કોહલી અને અનુષ્કાની પળોને પસંદ કરે છે. પરંતુ અમુક લોકોમાં વિરોધ પણ જોવા મળે છે અને અનુષ્કાને બીસીસીઆઈએ દત્તક લીધી હોય તેવી કોમેન્ટો થઈ હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. જેના કારણે ખેલાડીઓના પરિવારની વિદેશ પ્રવાસમાં હાજરી બીસીસીઆઈ માટે મુસીબત બની છે.  અહેવાલ પ્રમાણે બીસીસીઆઈના અધિકારી તમામની સુવિધા કરવામાં થાકી જાય છે. ખેલાડીઓ પોતાના પરિવારના તમામ ખર્ચને ઉઠાવે છે પણ તેમની જરૂરીયાતોનું ધ્યાન અધિકારીઓએ રાખવું પડે છે. જેમાં અમુકના બાળકોની આયા પણ વિદેશ પ્રવાસમાં સાથે જોવા મળે છે. જ્યારે અમુક ખેલાડીઓના દુરના સંબંધી પણ ટીમ સાથે સંપર્કમાં રહેવા માગે છે. આ તમામ માટે મેચની ટિકિટની વ્યવસ્થા પણ કરવી પડે છે. ટીમ મેનેજર્સની ફરિયાદ ખાસ કરીને એવા ખેલાડીઓ માટે હોય છે જે સિરિઝમાં એક પણ મેચ રમતા નથી પણ વિદેશ પ્રવાસ દરમિયાન પરિવારને સાથે રાખે છે.
આ મામલો થોડો ગુંચવણ ભર્યો છે. ખેલાડીઓનો પરિવાર વર્ષોથી વિદેશી પ્રવાસમાં સાથે જાય છે. ક્યારેક વધુ કે ક્યારે ઓછા સમય માટે સાયે રહે છે. છેલ્લા થોડા સમયમાં ઘણી વખત નિયમમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. વિદેશમાં ખેલાડીઓને પત્નીઓ સાથે રાખવા ઉપર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો. જેની પાછળ કારણ બતાવવામાં આવ્યું હતું કે, ગર્લફ્રેન્ડ્સ સાથે હોવાથી રમત ઉપર અસર પડી શકે છે. થોડા સમય અગાઉ પ્રવાસ દરમિયાન માત્ર બે અઠવાડીયા સુધી પત્ની કે ગર્લફ્રેન્ડને સાથે રાખવાની અનુમતિ હતી. પરંતુ વિરાટ કોહલીની માગણી બાદ નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.
કોઈપણ વ્યક્તિ જીવનના નાના મોટા પડકારોનો સામનો કર્યા બાદ જીવનસાથી પાસે પરત ફરવા માગે છે. પોતાના બાળકો સાથે સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પછી આગામી દિવસ ગમે તેટલો મુશ્કેલ હોય તેની સાથે બાથ ભરવાની શક્તિ મળી રહે છે અને ક્રિકેટર પણ એક માણસ જ છે. મહત્વની વાત એ છે કે ખેલાડી પોતાની જવાબદારી કેવી રીતે સંભાળે છે.  ક્રિકેટની અગાઉની પેઢી પણ વિદેશ પ્રવાસમાં પરિવારને સાથે રાખવાનું પસંદ કરતી હતી. જેમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે. તેવામાં હવે ઈંગ્લેન્ડમાં યોજાનારા આગામી વિશ્વકપમાં ક્રિકેટરોના લાખો ચાહકો, ઈંગ્લેન્ડમાં જ રહેતા મિત્રો અને સંબંધો મેચમાં જવા માગશે અને તેના તરફથી ટિકિટની ભારે માગ હશે. આ ઉપરાંત બોર્ડ ઉપર ભારતથી મેચ જોવા જતા વીઆઈપી દર્શકોનું પણ દબાણ રહેશે. જેમાં નેતા, બોર્ડના અધિકારી અને ફિલ્મી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અલગ અલગ બાબતોની માગણી કરી છે. જેમાં જીમ અને ભોજન સાથે ટ્રેનમાં સફર વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ માગણીને બીસીસીઆઈએ એક એક કરીને પુરી કરવી રહેશે અને ખેલાડીઓ સાથે વાતચીત કરીને અમુક બાબતોનું સમાધાન પણ કરવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer