ખેલાડીઓ વધુમાં વધુ ક્રિકેટ રમે : ગાંગુલી

ખેલાડીઓ વધુમાં વધુ ક્રિકેટ રમે : ગાંગુલી
પૂર્વ કેપ્ટને કહ્યું, મેચ ન રમવી એ સમસ્યાનું નિરાકરણ નથી
નવી દિલ્હી, તા. 19: આઈપીએલ રમી રહેલા ંિવશ્વકપના ખેલાડીઓના વર્કલોડને લઈને ચાલી રહેલી દલીલો વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ પોતાનું મંતવ્ય આપતા કહ્યું હતું કે, થાકની ચિંતા કર્યા વિના ખેલાડીઓએ વધુમાં વધુ ક્રિકેટ રમવું જોઈએ. ગાંગૂલીના કહેવા પ્રમાણે કોઈપણ ચિંતા વિના જીતવાના જેટલા મોકા મળે તેટલી વખત મેદાનમાં ઉતરવું જોઈએ. જો કે મેચ વચ્ચે પણ માનસિક રીતે તંદૂરસ્ત રહેવાના વિકલ્પ શોધવા પડશે. તેમાં મેચ ન રમવા એ કોઈ સમસ્યાનું નિવારણ નથી.
સૌરવ ગાંગુલીએ આઈપીએલમાં મેચના કારણે વિશ્વકપના મેચમાં અસર ઉપર દલીલને લઈને કહ્યું હતું કે, મેચ રમવાના મોકા વધુ નથી હોતા પણ જેટલા મળે તેટલા ઝડપી લેવા જોઈએ. રમત સમયે ઈજા થવી એક સામાન્ય વાત છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા સમયે પણ ઈજા નહીં થાય તેવી કોઈ ગેરન્ટી હોતી નથી પરંતુ ઈજાગ્રસ્ત થવું એટલે તમે અનફીટ છો તેવું માની લેવું જોઈએ નહીં. એક સવાલના જવાબમાં દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, વિશ્વ કપ પહેલા કેટલી મેચ રમવી તેનો નિર્ણય ખેલાડીઓ ઉપર છોડી દેવો જોઈએ. આ ઉપરાંત દિલ્હી કેપ્ટિલ્સના મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ કહ્યું હતું કે, વર્કલોડનું નિવારણ ખેલાડીઓ ઉપર છોડી દેવું જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer