વીજમીટરના ભાડા પર લેવાતો 18% GST હાઇકોર્ટે રદ કર્યો

વીજમીટરના ભાડા પર લેવાતો 18% GST હાઇકોર્ટે રદ કર્યો
PGVCLના 50 લાખ ગ્રાહકોને નજીવું રીફંડ મળશે
અમદાવાદ, તા.21: ગુજરાત હાઇકોર્ટે વીજમીટરનું ભાડું, મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18 ટકા જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી મીટર ભાડા પરનો જીએસટી વીજળી કંપની લઇ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે.
1 જુલાઈ ર017થી જીએસટી લાગુ પડયો હતો. ત્યારે પીજીવીસીએલ દ્વારા તા. 31 માર્ચ ર018 સુધી વીજ મીટરનું ભાડું ગ્રાહકો પાસેથી રેસીડેન્સ કનેક્શનના 10 રૂપિયાથી માંડી 3 ફેસ કનેક્શનના વધુમાં વધુ 30 રૂપિયા માસિક લેખે વસૂલવામાં આવતું હતું. તેના ઉપર 18 ટકા જીએસટી પણ લેવામાં આવતો હતો. હાઈકોર્ટના ચુકાદા બાદ આ 9 માસના વીજ મીટર ભાડા પરનો જીએસટી પીજીવીસીએલના પ0 લાખ ગ્રાહકોને રીફંડ આપવો પડશે.
મહત્વનું છે કે, ટોરેન્ટ  પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું, મીટર ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેકશનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લીકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સરકાર પાવર ઉપર જીએસટી નથી નાખતી તો તેની આનુષાંગિક સેવા પર જીએસટી કઇ રીતે લાદી શકે તેવી રજૂઆત થઇ હતી.
ગુજરાત હાઇકોર્ટે આ રજૂઆતને ધ્યાને લઇને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, પાવર સપ્લાય અને તેને લગતી આનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઇએ. જો મુખ્ય સેવા પર જીએસટી ન હોય તો આનુષાંગિક સેવાઓ પણ જીએસટી મુક્તી હોવી જોઇએ.
વધુમાં સરકારે આ સિદ્ધાંતને ધ્યાનમાં લઇને જીએસટી પહેલા જો સર્વિસ ટેક્સ લેવાયો હોય તો તે પણ રદ કરીને પરત કરવા જણાવ્યું છે. આમ 2012થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યારબાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ મળશે. પાવર સપ્લાય કરતી કંપનીઓએ આ લાભ ગ્રાહકોને આપવો પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer