પાણી માટે વલખા મારતો વોર્ડ નં.18

પાણી માટે વલખા મારતો વોર્ડ નં.18
સ્ટેન્ડ પોસ્ટ અને ટેન્કરનું પાણી પીવા મજબૂર લોકોને તે પણ સમયસર પુરૂ પાડવામાં આવતું નથી
રાજકોટ, તા.11: દેશના વિકસિત શહેરોમાં રાજકોટનું સ્થાન ભલે પ્રથમ હરોળમાં ગણાતું હોય, પરંતુ પાણીની પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં રાજકોટ હજુ પણ પછાત જ છે. શહેરના સીમાડાઓ વિસ્તર્યા છે અને વસ્તી વધી છે. પરંતુ આજે પણ શહેરના નવ વોર્ડના અનેક વિસ્તારોમાં ટેન્કર યુગ ચાલી રહ્યો છે. જેમાં વોર્ડ નં.18ના મોટાભાગના વિસ્તારમાં ટેન્કરથી પણ સમયસર પીવાનું પાણી મળતું ન હોવાથી આ વોર્ડના લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.
રાજકોટ શહેરની પાણી બાબતે વર્ષો પહેલા જે સ્થિતિ હતી તે આજે પણ આ વિસ્તારમાં જોવા મળે છે. મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને પાઇપલાઇનની મધલાળી આપી મત ખંખેરી લેવામાં આવે છે. આ વોર્ડ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભળી ગયો હોવા છતા મનપા પાઇપલાઇન પાથરી શકી નથી. આ વિસ્તારમાં ટેક્ટર અને ટેન્કર થઇને રોજના સરેરાશ 90 જેટલા ફેરા કરવામાં આવે છે. વળી ટેન્કરના ફેરા પણ સમયસર મળતા ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
હજુ એકાદ વર્ષ સમસ્યા રહેશે: કોર્પોરેટર મારૂ
વોર્ડ નં.18ના કોર્પોરેટર નિર્મળભાઇ મારૂએ જણાવ્યું હતુ કે, કોઠારીયા સોલવન્ટના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોઠારીયા રોડ ઉપર નારાયણ નગર અને તીરૂપતી સોસાયટીમાં પાણીના મોટા ટાંકા બની રહ્યાં છે. જે કામ પુરૂ થયા બાદ લોકોને ઘરે નળ કનેક્શન આપવામાં આવશે, તેથી અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા એકાદ વર્ષ રહેશે.
નગરસેવકો પણ પાણીમાં બેસી ગયા!
વોર્ડ નં.18ના ચારેય નગર સેવક કોંગ્રેસના છે. જેઓ આ વોર્ડના લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં કોઇ રસ દાખવતા ન હોવાનું પાણીમાં બેસી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વળી તાજેતરમાં હરીદ્વાર સોસાયટીમાં પાણીનું ટેન્કર બે દિવસથી મળ્યું ન હોવાની ફરિયાદ કરવા ગયેલા મહિલાઓને કોર્પોરેટર જયંતીભાઇ બુટાણી દ્વારા શરૂઆતમાં યોગ્ય જવાબ ન અપાતા મહિલાઓમાં નારજગી પ્રસરી હતી બાદમાં ટેન્કર મોકલવા ફોન કર્યો હતો.
ટેન્કરમાં અપુરતુ પાણી ભરાય છે!
વોર્ડ નં.18માં આવતા ટેન્કરમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું નથી. પોઇન્ટ પર ટેન્કર ઠાલવવામાં આવે ત્યારે એક ઘર દિઠ માંડ ત્રણ-ચાર બેડા જ ભાગમાં આવતા હોવાની મહિલાઓ ફરિયાદ કરી રહી છે. ટેન્કરમાં કાંતો પાણી ઓછું ભરાતું હશે, કાં તો ટેન્કર ચાલક થોડું જ પાણી આપીને બાકીના પાણીની રોકડી કરી નાખવામાં આવતી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer