જાફરાબાદ પાસે ગેરકાયદે ખનિજ વહન કરતાં 17 ડમ્પરો ડિટેઇન

ધારાસભ્ય દ્વારા સ્વાન એનર્જી કંપનીના ડમ્પરો પાવતી કરતાં વધારે વજન વહન કરતાં હોવાની કલેકટરને રજૂઆત કરાઈ હતી
 
રાજુલા, તા.11: રાજુલા અને જાફરાબાદ વચ્ચે આવેલા સ્વાન એનર્જી કંપનીમાં ગેરકાયદે રોયલ્ટી પાવતી કરતાં વધારે વજન ભરીને ખનિજ ચોરી  અને ઓવર લોડિંગ ડમ્પરો ચાલતા હોવાની ધારાસભ્ય દ્વારા અમરેલી કલેકટર અને એસ.પી.ને રજૂઆત કરાયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને 17 ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા અમરેલી કલેકટર અને એસ.પી. નિર્લિપ્ત રાયને લેખિત રજૂઆતો કરી જણાવ્યું હતું કે, રાજુલા અને જાફરાબાદ વચ્ચે આવેલી સ્વાન એનર્જી કંપનીમાં ગેરકાયદે રોયલ્ટી પાવતી કરતાં વધારે વજન ભરીને ખનિજ ચોરી કરાતી હોય અને ઓવરલોડ ડમ્પરો ચાલતા હોય કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને લઇને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ખાણખનિજ વિભાગના સ્ટાફ તેમજ રાજુલા, સાવરકુંડલા અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી હિંડોરણા ચોકડી, વાંકા બાવળ અને બાબરકોટ ચોકીએ સંયુકત ઓપરેશન હાથ ધરી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારોમાંથી આવતા ડમ્પરોને ચેક કરાયા હતાં. ત્યારે પાવતી કરતાં વધુ વજન ધરાવતાં ઓવરલોડ 17 જેટલા ડમ્પરોને ડિટેઇન કરાયા હતાં. ધારાસભ્યએ જણાવ્યું કે, કંપનીના 200 ઉપરાંતના ડમ્પરો ઓવરલોડ ચાલે છે તેની સામે ફકત 17 ડમ્પરો તંત્ર દ્વારા પકડાયા છે ત્યારે હજુ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer