વડોદરા પીએફ ઓફિસનો અધિકારી પાંચ લાખના લાંચના છટકામાં સપડાયો

પાટડીના સર્કલ ઇન્સ્પેકટર સહિત બે રૂ. ચાર લાખના ફાંસલામાં ઝડપાયા

વડોદરા/ વઢવાણ, તા.11: રૂ. નવ લાખની લાંચ લેવા અંગેના બે છટકામાં વડોદરાની પીએફ ઓફિસનો એન્ફોર્સમેન્ટ ઓફિસર અને પાટડી મામલતદાર કચેરીની સર્કલ ઇન્સ્પેકટર ઝડપાયા હતાં.
વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીને રૂ. પાંચ લાખની લાંચ લેવા સીબીઆઇએ ઝડપી લીધા હતાં.વડોદરાની કંપનીના  સર્વેની કામગીરી માટે રજનીશ તિવારીએ રૂ. 20 લાખની લાંચની માગણી કરી હતી. જો કે, કંપનીના સંચાલક દ્વારા લાંચ આપવી ન હોય ગાંધીનગર ખાતે સીબીઆઇને ફરિયાદ કરી હતી. સીબીઆઇએ છટકુ ગોઠવીને રૂ. 20 લાખ પૈકી રૂ. પાંચ લાખનો પ્રથમ હપ્તો સ્વીકારતા રજનીશ તિવારીને ઝડપી પાડયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, રજનીશ તિવારીની પત્ની પારૂલ ત્રણ માસ પહેલા  આ જ ઓફિસમાં એક લાખની લાંચ લેતા ઝડપાઇ હતી.
બીજો બનાવ: રૂ. ચાર લાખની લાંચ લેવાના આરોપસરના છટકામાં પાટડી મામલતદાર કચેરીનો સર્કલ ઇન્સ્પેકટર દજુ શિવાભાઇ જાદવ અને ખાનગી વ્યકિત અશોક રતુભાઇ જાદવ ઝડપાયા હતાં. સાથણીમાં મળેલી જમીન ખાતે કરાવવા હુકમ કરી ઇ-ધારામાં નોંધ પડાવી દેવાના બદલામાં સર્કલ ઇન્સ્પેકટર દજુ જાદવે રૂ. ચાર લાખની લાંચની માગણી કરી હતી. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. બ્યુરોના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ઇન્સ. વી.જે.જાડેજા અને તેની ટીમે છટકુ ગોઠવ્યું હતું. જેમાં દજુ જાદવે તેના મળતિયા અશોક જાદવને રકમ લેવાનું  કહ્યું હતું. લાંચની રકમ સ્વીકારતા અશોક  અને દજુ જાદવને ઝડપી લેવાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer