હું ‘મન કી બાત’ કહેવા નહીં સાંભળવા આવ્યો છું : રાહુલ

હું ‘મન કી બાત’ કહેવા નહીં સાંભળવા આવ્યો છું : રાહુલ
દુબઇમાં ભારતીય કામદારોને સંબોધનમાં ગાંધીએ મોદી પર તાક્યું નિશાન

નવી દિલ્હી, તા. 11 : યુએઈના પ્રવાસ દરમિયાન દુબઈ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ દુબઈ મન કી બાત કરવા નથી આવ્યા પણ લોકોની વાત સાંભળવા માટે આવ્યા છે. રાહુલે દુબઈમાં ભારતીય લોકોને સંબોધન કર્યું હતું અને ભારતના વિકાસમાં તેમના યોગદાનની સરાહના કરી હતી.
આંધ્રપ્રદેશથી જોડાયેલા લોકો સાથે રૂબરૂ થતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આ સાથે નરેન્દ્ર મોદીની મન કી બાત ઉપર કટાક્ષ કર્યા બાદ રાહુલે કહ્યું હતું કે, મુલાકાત દરમિયાન મોટો માણસ આવ્યા તેવું સંભળાઈ રહ્યું હતું પણ કોઈ માણસ નાનો કે મોટો નથી હોતો. લોકો સાથે જોડાઈને રાહુલ ગાંધીએ દેશના વિકાસ માટેના તેમના યોગદાનને વખાણ્યું હતું તેમજ કોંગ્રેસ દુબઈમાં કામ કરતા ભારતીયોની મદદ  માટે હંમેશા તૈયાર છે તેમ પણ ઉમેર્યું હતું. રાહુલે દુબઈ બાદ અબુધાબીની મુલાકાત કરી હતી. આ ઉપરાંત આવતીકાલે શનિવારના રોજ યુએઈના મંત્રીઓ સાથે મુલાકાત કરશે અને અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer