2019ની ચૂંટણી છે વૈચારિક યુદ્ધ : શાહ

2019ની ચૂંટણી છે વૈચારિક યુદ્ધ : શાહ
રામલીલા મેદાનમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશ શરૂ
ભાજપ પ્રમુખે કહ્યું, સરકાર રામમંદિર બનાવવા કટિબદ્ધ
નવી દિલ્હી, તા. 11 :  દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝંડો ફરકાવીને શરૂઆત કરાવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે અધિવેશનની શરૂઆતે સંબોધન કર્યું હતું. જેમાં એનડીએ સરકારની ઉપલબ્ધી ગણાવતાની સાથે કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે, 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધ છે અને આ યુદ્ધની સદીઓ સુધી અસર છોડશે અને આ માટે એનડીએના 35 દળ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકજૂથ છે. કોંગ્રેસ અને વિપક્ષ ઉપર નિશાન તાકતા કહેવામાં આવ્યું હતું કે, વિરોધીઓ પાસે નેતા અને નીતિ બન્ને નથી. શાહે પોતાના ભાષણમાં ભાજપ રામ મંદિર બનાવવા કટિબદ્ધ હોવાનો પણ દાવો કર્યો હતો.
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, મરાઠા એક યુદ્ધમાં હાર્યા હતા અને દેશ 200 વર્ષ સુધી ગુલામ બન્યો હતો. 2019માં પણ આવી જ સ્થિતિ છે. 2014માં 6 રાજ્યોમાં ભાજપની સરકાર હતી અને આજે 16 રાજ્યમાં સરકાર છે. 2019માં મોદી સરકાર ફરી આવશે તો કેરળ સુધી ભાજપ સરકાર બનાવી લેશે.  પીએમ મોદીની પ્રશંસા કરતા શાહે કહ્યું હતું કે, આખી દુનિયામાં મોદી જેવા નેતા કોઈપણ દળ પાસે નથી. જ્યારે સ્વચ્છતા, ગંગા શુદ્ધિકરણ, બેટી બચાઓ, બેટી પઢાઓ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને સરકારની પ્રશંસા કરી હતી. રામ મંદિરનો મુદ્દો ઉલ્લેખતા શાહે ઉમેર્યું હતું કે, રામ મંદિર અયોધ્યાની જમીન ઉપર જ બનવું જોઈએ.
આ વિવાદનું સંવૈધાનિક રીતે નિરાકરણ થાય તેવા પ્રયાસમાં કોંગ્રેસ પડકાર ઉભા કરી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં દરેક લોકસભા ક્ષેત્રના 10 પ્રમુખ નેતા ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત તમામ સાંસદ, વિધાયકો, પરિષદના સભ્ય, જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રીઓ સાથે વિસ્તારકોને પણ આમંત્રણ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણ આપશે જે કાર્યકર્તાઓ માટે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સંદેશ સમાન બની રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer