સુરતમાં વધુ એક માસુમ બાળકી વાસનાનો શિકાર બની

ચાર શખસની અટકાયત કરીને મેડિકલ ચેકઅપ કરાવાયું
સુરત, તા. 11: સુરત પંથકમાં વધુ એક માસુમ બાળકી હવસનો શિકાર બની હતી. હજીરા ગામની શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરીને લોહી લોહાણ હાલતમાં ઝાડી ઝાખરામાં ફેંકી દેવાઇ હતી.
સુરત પાસેના હજીરા ગામે શિકોતર માતાજીના મંદિર પાસે રહેતાં એક પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસુમ પુત્રી ગઇકાલ બપોરથી બેપતા બની ગઇ હતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. મોડી સાંજના બાવળની ઝાડીમાંથી લોહીલોહાણ હાલતમાં બાળા મળી આવી હતી. બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યાનું ખુલ્યું હતું. આ બનાવની જાણ થતાં જોઇન્ટ પોલીસ કમિશનર  ડી.એન.પટેલ નવી સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને પ્રાથમિક  વિગતો મેળવી હતી. બાદમાં આ ઘૃણાસ્પદ  ઘટના અંગે ક્રાઇમ બ્રાંચ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે એક સગીર સહિત ચાર શખસની પૂછપરછ માટે અટકાયત કરી હતી અને ચારેયની આગવી ઢબે પૂછપરછ કરી હતી. બે શખસના મેડિકલ ચેકઅપ પણ કરાવાયા હતાં.પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીને ઝાડીમાંથી લોહીલોહાણ હાલતમાં ઘેર લાવનાર સગીરની પૂછપરછ કરી હતી. બાદમાં અન્ય ત્રણ યુવાન શખસની અટકાયત કરીને પૂછપરછ હાથધરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીના  નામ જાહેર કરીને ધરપકડની કાર્યવાહી કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer