સગર્ભાને એક્સપાયરી ડેઇટની દવાઓ અપાઇ : ઉધ્ધત વર્તન

સગર્ભાને એક્સપાયરી ડેઇટની દવાઓ અપાઇ : ઉધ્ધત વર્તન
ગારિયાધારના સાંઢખાખરા ગામની ઘટના
લ આશાવર્કરે લાજવાને બદલે સગર્ભાને તતડાવતા મામલતદારને લેખિત ફરિયાદ
ગારિયાધાર, તા.11 : અહીંના સાંઢખાખરા ગામે આશાવર્કર દ્વારા સગર્ભાને એક્સપાયરી ડેઇટની દવાઓ આપવાનું બહાર આવ્યું છે. આ પ્રશ્ને સગર્ભા રજૂઆત કરવા જતાં તેની સાથે તોછડાઇભર્યું વર્તન આચરાતા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સાંઢખાખરાની સગર્ભા આશાબહેન કિશનભાઇ ડાભીને બુધવારે તપાસ માટે નજીકની આંગણવાડીમાં લઇ જવાતા આશાવર્કર રીટાબહેન અને પરિચારિકા દ્વારા ફોલિક એસીડની દવા આપવામાં આવી હતી. આ મહિલાના પતિએ આ દવાની તપાસ કરી તે ગત સપ્ટેમ્બરમાં એક્સપાયર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ દવા પરત આપવા જતાં આશાવર્કર દ્વારા તોછડાઇ આચરવામાં આવી હતી.
આ પ્રશ્ને ગારિયાધાર મામલતદાર કચેરીએ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક માનગઢ આરોગ્ય કેન્દ્રની આશાવર્કર અને પરિચારિકા સામે કડક પગલા લેવા માગણી કરાઇ છે.
તાલુકા હેલ્થ ઓફિસર હસમતભાઇ ચૌહાણે આ દવા ભૂલથી અપાઇ હોવાનો બચાવ કરી રૂબરૂ વિઝિટ કરી કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલાં માનગઢ નજીકના ટીંબા પાસેથી પણ તારીખ વિતી ગયેલી દવાઓ મળી આવી હતી. જે અંગે પણ કોઇ કાર્યવાહી થઇ નથી. ત્યારે એક્સપાયરી ડેઇટની દવા શા માટે આરોગ્ય કેન્દ્રો સાચવી રાખે છે? તે પ્રશ્ન પણ જાગ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer