ગ્રામીણની સતર્કતા ને ગેટમેનના ત્વરીત નિર્ણયથી બે ટ્રેનના મુસાફરો ઉગરી ગયા

ગ્રામીણની સતર્કતા ને ગેટમેનના ત્વરીત નિર્ણયથી બે ટ્રેનના મુસાફરો ઉગરી ગયા
રાજકોટ-ખંઢેરી વચ્ચે તૂટી ગયેલાં ટ્રેકને જોતાં જ પરાપીપળિયાના ભીમભાઇએ ગેટમેનને જાણ કરી અને મુંબઇ તથા હાવડાની ટ્રેનની દુર્ઘટના ટળી
રાજકોટ, તા.11: પરાપીપળિયાના એક ગ્રામીણની સતર્કતા અને ગેટમેને લીધેલાં ત્વરિત નિર્ણયથી જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનના અનેક મુસાફરો ઉગરી જતાં આ બન્નેનું રાજકોટ રેલવેના વિભાગીય વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રેલવેના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ-ખંઢેરી વચ્ચે રેલવે લાઇન પાસેથી પસાર થતાં ભીમાભાઇ નામના રહેવાસીએ રેલવેના પાટા એક સ્થળે તૂટી ગયેલાં હોવાનું જોતા જ તુરંત જ ગેટમેન પાસે દોડી ગયા હતાં.
ગેટમેન જુવાનસિંહ જાડેજાએ પણ કોઇપણ દલિલ કર્યા વગર ભીમાભાઇની વાત પર વિશ્વાસ કરી તુરંત જ રાજકોટ જાણ કરી હતી. જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનને રાજકોટ સ્ટેશનથી જ રોકી દેવાઇ હતી.
દરમિયાન બીજી તરફ રેલવેની ઇમરજન્સી ટીમ તુરંત જ રાજકોટ-ખંઢેરી વચ્ચે જતાં પાટો તૂટી ગયો હતો ત્યાં દોડી ગઇ હતી અને પાટો બદલાવ્યા બાદ આ ટ્રેક પરથી બન્ને ટ્રેનોને પસાર કરાઇ હતી.
જો પરાપીપળિયાવાસી ભીમાભાઇએ સતર્કતા ન વાપરી હોત તો બન્ને ટ્રેનોનો મોટો અકસ્માત થયો હોત!
ગેટમેન જુવાનસિંહે પણ તુરંત જ રાજકોટ સ્ટેશને જાણ કરી દીધી એટલે ટ્રેનોને રોકી દેવાઇ હતી.
ડી.આર.એમ. પી.બી.નિનાવે, એ.ડી. આર.એમ. એસ.એસ.યાદવ અને સુરક્ષા અધિકારી બી.કે.સિંહ દ્વારા ભીમાભાઇ અને ગેટમેન જુવાનસિંહનું સન્માન કરી અનુક્રમે રૂા.બે હજાર અને રૂા.1 હજારના પુરસ્કાર અર્પણ કર્યા હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer