કોફીનો ઘૂંટ કડવો: હાર્દિક-રાહુલ સસ્પેન્ડ

કોફીનો ઘૂંટ કડવો: હાર્દિક-રાહુલ સસ્પેન્ડ
નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનિંગ બેટસમેન કેએલ રાહુલ ટીવી શો કોફી વીથ કરણમાં મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણીઓ મામલે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. આથી આ બન્ને ક્રિકેટર ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની પૂરી શ્રેણીની બહાર થઇ શકે છે. આમ હાર્દિક-રાહુલ માટે કરણ જોહરની કોફી કડવી સાબિત થઇ રહી છે.
હાર્દિક અને રાહુલની યુવતીઓ વિશેની ટીવી શોમાં કરેલી ‘સેક્સિસ્ટ’ ટિપ્પણીથી ભારતીય ક્રિકેટમાં હડકંપ મચી ગયો છે. આ મામલે ખુદ સુકાનીએ બચાવની ભૂમિકામાં આવીને કહેવું પડયું છે કે અમે આવી અસંગત ટિપ્પણીને સ્વીકારતા નથી.
હાર્દિક અને રાહુલને આવતીકાલ શનિવારે રમાનાર ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પહેલા વન ડેની ઇલેવનની બહાર રખાયા છે. બન્ને પર શ્રેણી બહાર થવાની પણ તલવાર લટકી રહી છે. બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)ના વડા વિનોદ રાયે આજે સાંજે જણાવ્યું છે કે હાર્દિક પંડયા અને કેએલ રાહુલ બન્નેને તપાસ સમાપ્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.
બીસીસીઆઇ દ્રારા તપાસ શરૂ થતાં પહેલા નવી કારણબતાવ નોટિસ પણ જારી થઇ છે. આ પછી ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નકકી કરશે કે આ બે ખેલાડીને સાથે રાખવા કે સ્વદેશ પરત મોકલવામાં આવે છે. બીસીસીઆઇના સૂત્રોમાંથી જાણવા મળે છે કે આ બે ખેલાડીના સ્થાને રીષભ પંત, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અથવા વિજય શંકરમાંથી કોઇ બે ખેલાડીને ઓસ્ટ્રેલિયા મોકલામાં આવી શકે છે.
હાર્દિક અને રાહુલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય સીઓએના વડા વિનોદ રાય અને સદસ્યા ડાયેના એડલજી વચ્ચેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ બન્ને પર બે મેચના પ્રતિબંધની ભલામણ થઇ હતી, પણ હવે તપાસ સમાપ્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer