ટેસ્ટની સફળતા બાદ, વન ડે શ્રેણીમાં ભારતીય ટીમ જીતના જુસ્સામાં

ટેસ્ટની સફળતા બાદ, વન ડે શ્રેણીમાં ભારતીય ટીમ જીતના જુસ્સામાં
મેચ સવારે 7-50થી શરૂ થશે

સિડની, તા.11: ટેસ્ટ શ્રેણીની સફળતા બાદ બિનજરૂરી વિવાદનો સામનો કરી રહેલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શનિવારથી શરૂ થઇ રહેલ ત્રણ વન ડે મેચની સિરિઝને વર્લ્ડ કપની પોતાની તૈયારીને અંતિમ રૂપ આપવાની કોશિશ કરશે. એક ટીવી શો દરમિયાન હાર્દિક પંડયા અને કેએલ રાહુલની મહિલાઓ પરની આપત્તિજક ટિપ્પણીને લીધે વિવાદ સર્જાયો છે અને ટીમનું ધ્યાનભંગ થયું છે. જો કે સુકાની કોહલીએ મેચ પહેલા વિશ્વાસ વ્યકત કર્યોં છે કે અમારી પાસે બીજા સારા વિકલ્પ હાજર છે. ચિંતાની કોઇ વાત નથી. કેએલ રાહુલ આમ પણ ઇલેવનમાં સ્થાનની સ્થિતિમાં ન હતો. પંડયાને સ્થાને સ્પિન-ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક મળશે. પહેલો વન ડે શનિવારે સવારે 7-પ0 વાગ્યાથી શરૂ થશે.
ભારતીય ટીમનો ઇરાદો વિવાદને કોરાણે મુકીને ટેસ્ટ શ્રેણીની જેમ વન ડેમાં પણ ઉમદા પ્રદર્શન કરીને શ્રેણી વિજયનો રહેશે. તો બીજી તરફ કાંગારૂ ટીમ વર્લ્ડ કપ પહેલા ઘરઆંગણાનો લાભ લઇને મજબૂત ભારતીય ટીમ સામે જીત મેળવી આત્મવિશ્વાસનું સિંચન કરવાનું લક્ષ્ય રાખશે.
સ્ટાર ઝડપી બોલર બુમરાહને પહેલેથી જ વિશ્રામ અપાયો છે. આથી ટીમને તેના બોલિંગ આક્રમણ સાથે વિશ્વ કપ પહેલા  આખરી પ્રયોગનો મોકો રહેશે.ભુવનેશ્વરનું રમવું નિશ્ચિત છે. સુકાની કોહલી પર એ નિર્ભર રહેશે કે તે ત્રણ ઝડપી નિયમિત બોલર સાથે ઉતરે છે કે પ્રયોગ કરે છે ? આવી સ્થિતિમાં શમી અને ખલિલને મોકા મળી શકે છે. એસસીજીની પિચ પર થોડું ઘાસ છે. મોટાભાગે ચાઇનામેન બોલર કુલદિપ સાથે અનુભવી રવિન્દ્ર જાડેજા હશે. જ્યારે કેદાર જાધવ કામચલાઉ સ્પિનરની જવાબદારી સંભાળશે. રોહિત-શિખર પછી કોહલી બેટિંગમાં આવશે. આ પછી રાયડૂ, જાધવ અને ધોની મીડલઓર્ડરમાં હશે. તેમની કસોટી થશે. ભારતને પાછલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં હાર સહન કરવી પડી હતી. જાન્યુઆરી 2016માં  ધોનીના સુકાનીપદ હેઠળની ટીમને 1-4થી હાર મળી હતી. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 48 વન ડે મેચમાંથી 3પમાં હાર મળી છે. જો કે વન ડે શ્રેણીમાં પણ ભારતને સ્મિથ અને વોર્નરની ગેરહાજરીનો આ વખતે ફાયદો મળી શકે છે. ભારતે તેની આખરી ઇલેવન વિવાદને લીધે જાહેર કરી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેની ઇલેવન જાહેર કરી છે. જેમાં સિડલની 9 વર્ષ બાદ વાપસી થઇ છે. વિકેટકીપર એલેકસ પેરી સુકાની ફિંચ સાથે ઓપનિંગ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer